- અમદાવાદ રેલવે સ્ટેશનથી ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં પ્રવાસીઓને તકલીફ
- ટેક્સી અને કેબ ચાલકો બે થી ત્રણ ગણો ભાવ લઈને ચલાવી રહ્યા છે લૂંટ
- AMTS દ્વારા સારી વ્યવસ્થા, પરંતુ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ
- ભારતના જુદા-જુદા રાજ્યોમાંથી અમદાવાદ આવી રહી છે રિઝર્વ ટ્રેનો
અમદાવાદ રેલ્વે સ્ટેશન સહિત સમગ્ર ભારતમાં અત્યારે ફક્ત રિઝર્વ ટ્રેનો ચાલી રહી છે. 200થી વધુ ટ્રેનોનું આવાગમન અત્યારે ચાલુ છે. ભારતના જુદા-જુદા રાજ્યો જેમ કે પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દિલ્હી વગેરે રાજ્યોમાંથી ટ્રેનો અમદાવાદ આવી રહી છે. કરફ્યૂને લઈને પ્રવાસીઓને અમદાવાદના જુદા-જુદા ભાગોમાં પહોંચવામાં હાલાકી ન પડે તે માટે તંત્ર દ્વારા કેબ અને ટેક્સી સર્વિસ ચાલુ રાખવામાં આવી છે.
ટેક્સી અને કેબ ચાલકોની કરફ્યૂમાં લૂંટ
આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની 100 બસો કાલુપુર રેલવે સ્ટેશન માટે ફાળવવામાં આવી છે. આ બસો વિનામૂલ્યે પ્રવાસીઓને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડી રહી છે. પરંતુ આ બસોમાં ક્યાંય પણ સોસીયલ ડિસ્ટન્સ જાળવવામાં આવતું નથી. સામાન્ય રીતે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આ બસનો ઉપયોગ કરી રહ્યા છે. બીજી તરફ કેટલાક પ્રવાસીઓએ ફરિયાદ કરી હતી કે ટેક્સી ચાલકો અને પ્રાઇવેટ ઓનલાઇન કંપનીના કેબ ચાલકો દ્વારા મોટા પાયે લૂંટ ચલાવવામાં આવી રહી છે. સામાન્ય દિવસોમાં જેટલું ભાડું વસુલ કરવામાં આવતું હોય તેના કરતાં બે થી ત્રણ ગણું ભાડું વસુલ કરવામાં આવી રહ્યુ છે.
પ્રવાસીઓએ ભોજન અને પાણી ન મળવાની ફરિયાદ કરી
સામાન્ય રીતે જે પેસેન્જરો સાથે બાળકો અને મહિલાઓ હોય તે લોકો પ્રાઇવેટ ટેક્સીમાં જવાનું પસંદ કરી રહ્યા છે. બીજી તરફ કેટલાક યાત્રીએ ફરિયાદ પણ કરી હતી કે આ સમયે તેઓ લાંબી સફર કરીને આવ્યા છે. તેમના માટે ભોજન અને પાણીની સુવિધા ઉપલબ્ધ નથી. કેટલાક પ્રવાસીઓ પાણી માટે રઝળતા જોવા મળ્યા હતા.
AMTSની બસોમાં સંચાલન અને વ્યવસ્થામ સુધારની તાતી જરૂર
અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા સારી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે પરંતુ તેના સંચાલન અને વ્યવસ્થા ચૂંટણીને લઈને પણ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.