વિરમગામઃ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે તેનું વળતર આપવા માટે વિધાનસભામાં બિલ પસાર કર્યું છે. જોકે અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનનું વળતર રાજ્યના અનેક જિલ્લાઓના ખેડૂતોને ચૂકવવામાં આવશે, પરંતુ આ વળતરના લાભમાંથી વિરમગામ અને માંડલ તાલુકાને બાકાત રાખવામાં આવ્યું છે, જેના કારણે માંડલ યુથ કોંગ્રેસ દ્વારા મશાલ રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા માંડલ અને વિરમગામના ખેડૂતોને પણ પાકના નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી કોંગ્રેસના ધારાસભ્ય લાખા ભરવાડ સહિતના અગ્રણીઓ અને ખેડૂતોએ માગ કરી છે.
યુથ કોંગ્રેસ દ્વારા યોજાયેલી મશાલ રેલીમાં ખેડૂતો અને આગેવાનો પણ જોડાયા હતા. માંડલ તાલુકા યુવા કોંગ્રેસના પ્રમુખ યશ રાઠોડ, અમદાવાદ જિલ્લા મહામંત્રી અમિત જાદવ, રણજિત રાઠોડ, કોંગ્રેસના આગેવાનો તેમ જ કાર્યકર્તાઓએ પણ આ રેલીમાં ભાગ લીધો હતો. આ બંને તાલુકાને પાકના વળતર આપવામાંથી બાકાત રખાતા ખેડૂતોએ રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.