અમદાવાદઃ અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા સુરત ચાર મહાનગરમાં રીતસર ઉનાળો શરૂ થયો હોય એવો માહોલ અનુભવાયો છે. જ્યારે રાજ્યના કિનારના પ્રદેશોમાં સૂર્યાસ્ત બાદ થોડી ટાઢક થતા રાહતની રંગત અનુભવાય છે. આળસ, અવ્યવસ્થા અને અકળામળનો ત્રિવેણી સંગમ એટલે ઉનાળો. જે આ ચારેય મહાનગરમાં જોવા મળ્યો હતો.
આ પણ વાંચોઃ Gujarat Dams Survey : ગુજરાતમાં સદી જૂના 24 ડેમ અંગે મોટો નિર્ણય,
બફારો યથાવતઃ ખાસ કરીને બપોરના સમયે જમવાનું પણ મન ન થાય એવું ચિત્ર રહ્યું છે. કુદરતી હોટનેસ વચ્ચે શરીરની એક્ટિવનેસ દિવસ ઢળતા ઓછી થઈ જાય છે. બપોરના સમયે તો જાણે તાપમાનનો પારો વધારે અપ અને પ્રકૃતિ ઠપ્પ થયેલી જોવા મળે છે. શહેરના રસ્તાઓ પર ટ્રાફિક એકાએક ઘટવા લાગ્યો છે. બફારાના સામ્રાજ્ય વચ્ચે પ્રજા જીવનમાં ગરમીની તેજી શરૂ થઈ હોય એવો માહોલ છે.
ગરમી વધશેઃ ગાંધીનગર, ભૂજ અને હિંમતનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમરેલીમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન ખાતાની એક આગાહી અનુસાર 13 એપ્રિલથી બે દિવસ સુધી વલસાડ, નવસારી, સુરત તથા દમણ-દાદરાનગર હવેલી, ભાવનગર તેમજ જામનગરમાં 40 કિમીની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે. જો વરસાદ થશે તો ચીકુ તથા કેરીના પાકને સીધી અસર થવાની પૂરી ભીતિ છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સઃ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તથા સાયક્લોનિક સરક્યુલેશન એક્ટિવ થયું છે. અમદાવાદમાં હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. ગરમીનું જોર વધવાના એંધાણ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથક સિવાય બાકીના ભાગમાં હવામાન ખૂબ જ સુકુ રહેવાની શક્યતાઓ સેવાઈ રહી છે. 17 એપ્રિલ સુધી હવામાન સુકુ રહી શકે છે. જોકે, આ દિવસો પછી ફરીથી ગરમીનો માર સહન કરવા માટે તૈયાર રહેવું પડશે.
આ પણ વાંચોઃ Summer Water Problem : પીવાના પાણી માટે સરકારે ટોલ ફ્રી સેવા કરી શરૂ,
મોટા ફેરફાર નહીંઃ હવામાન ખાતાએ એક યાદીમાં જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં હવામાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતાઓ નથી. પણ ગરમીનું જોર વધશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથક અને મધ્ય ગુજરાત પંથકમાં ભારે ગરમીનો અહેસાસ થશે. જોકે, ઉનાળું સીઝન શરૂ થતા જ મહાનગરમાં બપોરના સમયે કુદરતી કર્ફ્યૂ લાગવાનો હોય એવી રીતે રસ્તા પરથી ટ્રાફિક ઘટી જાય છે. શેરીઓના રસ્તાઓ તો સુમસાન થવા લાગે છે. સતત ગરમીને કારણે સાંજનો સમય પણ બફારાથી ભરેલો હોય છે. જ્યારે સવારના 12 વાગ્યા બાદ લૂંનો મારો શરૂ થાય છે. ગરમ પવનને કારણે સીધી અસર જનજીવન પર થાય છે.