અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ ઝુંબેશ હાથ કરીને વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવામાં અમદાવાદ શહેરના ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા યુવકે વ્યાજખોરના ત્રાસથી કંટાળીને યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં વિપુલ વ્યાસ નામના 32 વર્ષે યુવકે નહેરુબ્રિજ પરથી સાબરમતી નદીમાં કૂદવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આસપાસના લોકોએ તેને પકડીને પોલીસને જાણ કરતા અંતે ઓઢવમાં ઘટના સંદર્ભે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સ્ક્રેપના ધંધા સાથે સંકળાયેલ છે આપઘાત કરનાર: ઓઢવમાં રહેતા અને અગાઉ સ્ક્રેપનો વેપાર કરતાં વિપુલ વ્યાસે 2020 માં ઓઢવમાં વલ્લભનગર સોસાયટીમાં 20 લાખનો વેચાણ દસ્તાવેજ કરીને મકાન રાખ્યું હતું. જે મકાન તેઓએ તોડીને અલગ અલગ બે મકાન બનાવ્યા હતા. જેમાં તે પરિવાર સાથે રહેતા હતા. આશરે દોઢ વર્ષ પહેલા ફરિયાદીના ભાણીયાને કાપડની દુકાન કરવાની હોવાથી કમલેશ જૈન નામના વ્યક્તિની એક દુકાન ભાડે રાખી હતી. તે વખતે વિપુલ વ્યાસની પાંજરાપોળ નજીક સ્ક્રેપના ટ્રેડિંગની ઓફિસ હતી. જેથી કમલેશ જૈન પણ તેની ઓફિસે અવરજવર કરતો હતો અને એક દિવર્ષ કમલેશ જૈને ફરિયાદીને ક્રિકેટ સટ્ટાનો સારો એવો ધંધો થાય છે અને તે ધંધો સંભાળવાનું કહ્યું હતું.
વ્યાજખોરનો ત્રાસ: ફરિયાદી તૈયાર થઈ જતા તેની ઓફિસની બાજુની ઓફિસમાં વિજયભાઈ શાહ એ.વી એન્ટરપ્રાઇઝ નામની વીસીનો ધંધા કરતા હતા. જેથી કમલેશ જૈન બાજુમાં વિજય શાહ પાસે જઈને બેસતા હતા અને તે વખતે વિજય શાહે પૈસા કમાવા હોય તો ઓઢવમાં રાજકુમાર અગ્રવાલ સ્ક્રેપનો મોટો વેપારી છે. તેની સાથે ધંધો કરવાનું કહેતા કમલેશ જૈન રાજકુમાર અગ્રવાલ સાથે સ્ક્રેપના ધંધામાં જોડાયો હતો. કમલેશ જૈને તેના કોઈ મિત્ર પાસેથી 4 કરોડ રૂપિયા લાવીને રાજકુમાર અગ્રવાલને આપ્યા હતા. તે વખતે કમલેશ જેને ફરિયાદીને રાજકુમાર અગ્રવાલને 4 કરોડ ધંધા માટે આપ્યા છે. જેથી ધંધામાં ધ્યાન આપજો અને હું તમને નફામાં ભાગ આપીશ તેવુ કહ્યું હતું. કમલેશ જૈન જે મિત્ર પાસેથી 4 કરોડ ઉછીના લાવ્યો હતો તેને પૈસાની તાત્કાલિક જરૂર હોવાથી કમલેશ પાસે પૈસા ન હોવાથી તેણે ફરિયાદી વિપુલ વ્યાસને ગમે તે રીતે એક કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી આપવાનું કહ્યું હતું. જોકે ફરિયાદી પાસે પૈસાની વ્યવસ્થા થાય એમ ન હોવાનું કહેતા કમલેશ જેને તેને જીતુ થરાદ નામના શખ્સ પાસે ફરિયાદીને પોતાનું મકાન ગીરવે મૂકીને પૈસા લાવવાનું કહ્યું હતું. અને બાદમાં ઉઘરાણીના પૈસાથી તે મકાન છોડાવી આપશે તે પ્રકારની વાત કરતા વિપુલ વ્યાસે પોતાનું મકાન ગીરવે મુકવાનું નક્કી કર્યું હતું.
ત્રણ ટકાના વ્યાજે આપતા હતા નાણાં: ફરિયાદીનું મકાન જોઇને જીતુ થરાદે 1 કરોડ 20 લાખ રૂપિયા આપવાનું નક્કી કરી વિક્કી ગુપ્તા મારફતે મકાનનો રજીસ્ટર બાનાખત અને પાવર આપવાની વાત કરી હતી અને 1 કરોડ રૂપિયા કમલેશ જૈનને આપ્યા હતા. થોડા સમય બાદ વિકી ગુપ્તાએ સંદીપ ગુપ્તા નામના વ્યક્તિને ફરિયાદીના મકાનના રજીસ્ટર અને રૂબરૂ પાવર ઓફ એટર્ની લખી દીધી હતી. અને તે જ દિવસે જીતુ થરાદની કંપની એસ.ડી.બી કોર્પોરેશનનો વહીવટ કરતા સંગીતાબેન જૈન તેમજ દીપકકુમાર જૈને ફરિયાદીના મકાનનો કબજા વગરનો બાનાખત કરાર કરાવ્યો હતો. મકાન પેટે 20,00,000 લાખનો ચેક આપ્યો હતો. કમલેશ જૈન ઉછીના લીધેલા પૈસાનું ત્રણ ટકા વ્યાજ આપતા હતા. જે પછી કમલેશ જૈનને ક્રિકેટ સટ્ટામાં નુકસાન જતા તેણે ફરિયાદીને વ્યાજ ભરવામાં મદદ કરવાનું કહેતાં અને વિપુલ વ્યાસનું વલ્લભનગરમાં આવેલું મકાન વેચી નાખવાનું કહ્યું હતું. જેની ફરિયાદીએ ના પાડતા કમલેશ જૈને ફરિયાદી જે ધંધામાં ભાગીદાર હતા, તો ધંધામાં જે નુકસાન થયું છે તે ભાગે 1 કરોડ 45 લાખ રૂપિયા આપવાના થાય છે તેમ કહીને જીતુ થરાદ પાસેથી લીધેલા 1 કરોડ 20 લાખ તેમજ ફરિયાદીએ પોતાના લગ્નમાં લીધેલા 10 લાખ અને તેજુ 15 લાખ વ્યાજ એમ 1 કરોડ 45 લાખ રૂપિયા આપવાનું કહીને પૈસા ન આપવા હોય મકાન વેચવાની વાત કરી હતી.
આ પણ વાંચો Surat Crime News : ફૂટપાથ પર રહીને ગુજરાન ચલાવતી મહિલાની દોઢ વર્ષીય બાળકીનું થયું અપહરણ
આપઘાતનો પ્રયાસ: ફરિયાદીના મકાનની કિંમત 1 કરોડ 75 લાખમાં આપવાનું કહેતા આપવાના નીકળતા પૈસા ઉપરના 30 લાખ રૂપિયા પરત આપશે તેવી વાત કરી હતી. ફરિયાદીનું મકાન 3.5 કરોડનું હોય અને તેને 1 કરોડ 75 લાખમાં ન વેચવાનું હોય તેથી ના પાડી હતી. જે બાદ જીતુ થરાદ અને વિકીએ રજીસ્ટર પાવર ઉપરથી તેના મકાનના ખોટા કાગળો રજૂ કરીને ઓમ પ્રકાશ ગુપ્તાને મકાન આપી દીધું હતું. જે બાદ અવારનવાર મકાનનો કબ્જો આપવા માટે અને વ્યાજ આપવા માટે ધમકીઓ અને હાથ પગ તોડી નાખવાની હત્યા કરવાની ધમકીઓ મળતા આ સમગ્ર મામલે અંતે કંટાળીને ફરિયાદીએ સાબરમતી નદી પર નહેરુ બ્રિજ પર જઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે આસપાસના લોકોએ તેને પકડીને પોલીસને જાણ કરતા પોલીસે આ ઘટના સંદર્ભે ફરિયાદીની પૂછપરછ શરૂ કરી હતી.
પોલીસે બે વ્યાજખોર ઝડપયા: આ મામલે ઓઢવ પોલીસે જીતેન્દ્રકુમાર ઉર્ફે જીતું થરાદ જૈન, સંગીતાબેન જૈન, દીપકકુમાર જૈન, સંદીપકુમાર ગુપ્તા, કમલેશ જૈન અને વિકી ગુપ્તા એમ 6 શખ્સો સામે ગુનો દાખલ કરી કમલેશ જૈન અને વિકી ગુપ્તાની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. અંગે ઓઢવ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એસ કંડોરીયાએ જણાવ્યું હતું કે આ ઘટના સંદર્ભે અગાઉ અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં તપાસ હાથ ધરાઈ હતી હાલ આ ગુના સંદર્ભે ફરિયાદ દાખલ કરી બે આરોપીઓને નજર કેદ કરી સમગ્ર મામલે તપાસ નિકોલ પોલીસને સોંપવામાં આવી છે.