અમદાવાદ : શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ફરીને તિજોરીની ચાવી બનાવવાના બહાને અથવા તો તિજોરીનું તાળું રીપેર કરવાના બહાને ઘરમાં પ્રવેશ કરી ચોરી કરનાર શખ્સ ઝડપાયો છે. નારોલ પોલીસે ચોરીના ગુનાના એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી દાગીના સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસને મળી બાતમી : નારોલ પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર નારોલ પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સદાની ધાબી પાસે પહોંચતા પોલીસ કોન્સ્ટેબલ વિશ્વરાજસિંહ તેમજ યોગીરાજસિંહને બાતમી મળી હતી કે, નારોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં સામેલ એક 50-55 વર્ષીય વ્યક્તિ સાયકલ ચલાવીને વટવા બીબી તળાવ ચાર રસ્તા તરફથી નારોલ ગામ તરફ જવાનો છે. જેની પાસે ચોરીથી મેળવેલા સોનાના દાગીના છે.
તાળા-ચાવીનો કારીગર : આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને બાતમી મુજબનો શખ્સ મળી આવતા તેને પકડી તપાસ કર હતી. જેમાં તેનું નામ જીવણસિંઘ બિહારીસિંઘ ચીકલીગર અને વડોદરાનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. તેની તપાસ કરતા સોનાનું મંગળસૂત્ર, વીંટી અને કાનની બુટ્ટી સહિત 1 લાખ 34 હજારથી વધુની કિંમતના દાગીના મળી આવ્યા હતા. વધુ તપાસ કરતા એક મોટરસાયકલ અને મોબાઈલ ફોન તેમજ તિજોરીનું તાળુ રિપેર કરવાના સાધનો સહિતની અન્ય ચીજવસ્તુઓ મળી આવી હતી.
આવી રીતે કરતો ચારી : પકડાયેલા શખ્સની તપાસ કરતા સામે આવ્યું હતું કે, તે અંદાજે 20 દિવસ પહેલા ઇસનપુરમાં તાળા ચાવીનું કામ કરવા માટે ગયો હતો. ત્યારે પારસનગર બસ સ્ટેન્ડની સામે એક સોસાયટીના મકાનમાં બપોરના સમયે તિજોરી રીપેરીંગ કરવા માટે એક મહિલાએ બોલાવતા તેના મકાનમાં જઈ બે તિજોરીના લોક રીપેર કર્યા હતા. ત્યારે જ નીચેના રૂમની તિજોરીમાંથી સોનાના દાગીનાની ચોરી કરી હતી.
આરોપી ઝડપાયો : આ મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ત્યારે હાલ તો નારોલ પોલીસે ચોરીના ગુનામાં સામેલ આરોપીની ધરપકડ કરી છે. ઉપરાંત ચોરી થયેલ મુદ્દામાલ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.