અમદાવાદઃ એઈમ્સના બે ડૉકટરની ટીમે આજે શનિવારે અમદાવાદની સિવિલ હોસ્પિટલની કોવિડ-19ની વિશેષ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અધિક મુખ્ય સચિવ અને સમગ્ર રાજ્યમાં કોરોના સંદર્ભે થતી કામગીરી પર દેખરેખ રાખવા ખાસ નિમાયેલા પંકજકુમારે આ બન્ને વરિષ્ઠ તબીબો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.
કોરોનાની સારવાર લેતા દર્દીઓ ઝડપથી સાજા થાય, દર્દીઓને અપાતી સારવાર પદ્ધતિ, આ વરિષ્ઠ તબીબોની આ રોગ સંદર્ભે તેમના અનુભવો-જાણકારી વગેરે અંગે ખૂબ જ ઝીણવટપૂર્વક ચર્ચા કરી હતી. આ મુલાકાત બાદ એઇમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરીયાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના સંક્રમણ સામે લડવામાં ગુજરાત સરકારે જે પ્રયાસો કર્યા છે તે સરાહનીય છે.
રાજ્ય સરકારે કોરોનાનો મૃત્યુદર ઘટાડવા સમગ્રતયા ધ્યાન કેન્દ્રિત કર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે. સાથેસાથે અહીંના તબીબો અને અન્ય સંલગ્ન સ્ટાફે ખૂબ સરસ રીતે દર્દીઓની સેવા સારવાર કરી છે. ખૂબ જ ટૂંકા સમયમાં 1200 બેડની હોસ્પિટલ અને સમગ્ર માળખું તૈયાર કરવા બદલ રાજ્યના આરોગ્ય તંત્રની સરાહના કરતાં તેમણે જણાવ્યું હતું કે, જે કંઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માળખું ઊભું કરવામાં આવ્યું છે તે ખૂબ જ અદ્યતન છે જે દેશ માટે ગૌરવની વાત છે. તેમણે રાજ્યના સરકારી અને ખાનગી ડૉક્ટર સાથે પણ વાર્તાલાપ કર્યો હતો. કોરોના સંક્રમણ સામે લડી રહેલા ફ્રન્ટલાઈન વોરિયર્સને પણ મળીને સઘળી વિગતો જાણી હતી.