અમદાવાદ: શહેરના અમદુપુરા વિસ્તારમાં GCS હોસ્પિટલ પાસેના ફૂટપાથ પર એક મહિલા તેના 2 બાળક સાથે રહે છે. જેમાંથી એકની ઉંમર 2 વર્ષ અને બીજાની ઉંમર 5 વર્ષ છે. ગત 16 ઓગસ્ટે મહિલાના બાળકનું અપહરણ તેના પૂર્વ પતિએ કરી હોવાની ફરિયાદ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. જેના આધારે પોલીસે તપાસ કરીને મહિલાના પતિ અને બાળકને શોધી કાઢ્યું હતું, પરંતુ પતિ અને બાળક મળતા અપહરણ તો થયું જ ના હોવાનું સામે આવ્યું હતું.
મહિલા કેટલાક સમયથી તેના પતિને છોડીને તેના જેઠ સાથે ભાગી ગઈ હતી, ત્યારે મહિલા જે ફૂટપાથ રહેતી હતી, ત્યાં અનેક લોકો અવરજવર કરતા હતા અને મહિલાને અને બાળકને જોઈને ફ્રૂટ, જમવાનું કે, અન્ય રીતે મદદ કરતા હતા. મહિલાને પતિને જાણ થઈ હતી કે, તે બાળકો સાથે અહીંયા રહે છે. મહિલાનો પતિ ફૂટપાટ પર આવતો હતો. પતિએ બાળક સાથે લઈ જવા કહ્યું હતું. પરંતુ મહિલાએ તકરાર બાદ 5 વર્ષના બાળકને મરજીથી પોતાના પતિને સોંપ્યો હતો.
બાળક સાથે ના રહેતા અનેક લોકો મહિલાને પૂછતાં કે, બાળક ક્યાં ગયું ત્યારે જો મહિલા કહેશે કે, બાળક તેના પિતા સાથે છે, તો મહિલાને કોઈ મદદ નહીં કરે જેથી બાળકનું અપહરણ થયુ છે. તેવું મહિલા લોકોને કહેતી હતી. જેથી લોકોની મદદ અને સહાનુભૂતિ તેને મળતી હતી. પરંતુ એક વ્યક્તિ મહિલાને પોલીસે સ્ટેશન લઈને આવ્યો હતો અને ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું.
મહિલાએ શરૂઆતમાં તો ફરિયાદ નોંધાવવા માટે ના પાડી હતી, પરંતુ પોલીસની ભારે સમજાવટ બાદ મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે મહિલાની પણ પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે તેની ભૂમિકા શંકાસ્પદ જણતા પોલીસે ઉલટ તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, મહિલાનો પતિ બાળક લઈને ગયો છે, ત્યારે પોલીસે બાળકને મહિલાને પરત અપાવ્યું હતું.
પોલીસની તપાસમાં સામે આવ્યું કે, મહિલાની મરજીથી બાળક પતિ લઇ ગયો હતો. મહિલા તેના પતિ સાથે નહીં પરંતુ પતિના મોટા ભાઈ એટલે કે, જેઠ સાથે રહેતી હતી. અગાઉ પણ મહિલાના અન્ય વ્યક્તિ સાથે લગ્ન થયા હતા, પરંતુ આ સંતાન બીજા લગ્ન કરેલા પતિના હતા, જેથી તે જ પતિ બાળક લઈને ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, આમ લોકોનો સહાનુભૂતિ અને મદદ મેળવવા મહિલાએ બાળક અપહરણ થયા હોવાનું ઢોંગ રચ્યો હતો, પરંતુ મામલો પોલીસ સ્ટેશન પહોંચતાં જ હકિકત સામે આવી હતી. પોલીસને ગેરમાર્ગે દોરવા બદલ મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.