શાહઆલમ વિસ્તારમાં જ્યાં ગુરુવારે સાંજે હિંસા થઈ હતી, તે વિસ્તારોમાં મોટાભાગની દુકાનો આજે પણ બંધ રહી હતી. જો કે, અવર-જવર અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ચાલુ હતી. ગઈકાલે સાંજે બનેલી ઘટના બાદ અત્યાર સુધી કોઈ પણ અનિચ્છનિય બનાવ બન્યો ન હતો.
ગુરુવારે મોડી રાત્રે 11 કલાકે શહેર કમિશ્નર આશિષ ભાટિયાએ પણ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી બાદ ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને પણ મળ્યા હતાં. રેલીના આયોજક અને સ્થાનિક કોર્પોરેટર શહેજાદ ખાન સહિત 49 લોકો સામે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઈસનપુર પોલીસ સ્ટેશનના PI જે.એમ સોલંકી દ્વારા અજ્ઞાત ટોળા વિરૂધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.
પોલીસે હાલ 49 લોકોની અટકાયત કરી છે. હિંસાની નોંધ લેતા ગઈકાલે ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જડેજાએ તપાસના આદેશ આપ્યા હતાં. જેમાં હિંસા ફેલાવનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાનો આદેશ આપ્યો હતો. પોલીસ હાલ CCTVના આધારે આરોપીઓની શોધખોળ કરી રહી છે.
ઉલ્લેખનિય છે કે ગુરુવારે સાંજે બનેલી સમગ્ર ઘટનામાં 12 જેટલા પોલીસ કર્મચારી અને સામાન્ય લોકોને મળીને કુલ 30 લોકો ઈજાગ્રસ્ત પામ્યા હતાં. પોલીસે સ્થિતિ પર કાબુ મેળવવા વિસ્તારમાં પેટ્રોલિંગ અને 10થી વધુ ટિયરગેસના સેલ છોડયા હતાં.