સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર, હવે 2022 વિધાનસભાની ચૂંટણીના મંડાશે સમીકરણ - local body elections
ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો આવી ગયાં છે. આ લખાય છે ત્યારે તંતોતત કયો પક્ષ કેટલી પેનલ લઇ ગયો તેની આંકડાકીય માહિતી બહાર આવવી બાકી છે. પરંતુ અમુક રાઉન્ડની ગણતરીએ પતે એટલે હારજીત નક્કી થઇ જતી હોય છે, તેને આધારે આ ચૂંટણીમાં કયો પક્ષ મેદાન મારશે તે અંગેના રાજકીય પંડિતોના પૂર્વાનુમાનો ખરાં પડી રહ્યાં છે. મુખ્યપ્રધાને ટ્વીટ કરીને ભાજપના કાર્યકરોને જીત બદલ અભિનંદન પણ પાઠવી દીધા છે. મોટાભાગે 6 મહાનગરપાલિકા ચૂંટણી પરિણામોમાં ભાજપ જીતી ગઈ છે. જોકે આ પરિણામોમાં કેટલાક નવા પરિમાણો સામે આવી રહ્યાં છે જેના વિશે જાણીએ ETVBharatના આ વિશેષ અહેવાલમાં

- ગુજરાતની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીના પરિણામો આવ્યાં
- 6 મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો
- રાજકોટમાં કોંગ્રેસનો કરુણ રકાસ, અસંતુષ્ટોની કારી ફાવી
- AAP, AIMIM અને BSPએ ખાતું ખોલાવ્યું
અમદાવાદ : સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓના પરિણામો આવી ગયા છે. અમદાવાદ, વડોદરા, સૂરત, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકા ચૂંટણીઓમાં કુલ 576 બેઠકો પર 21 તારીખે થયેલાં મતદાન બાદ મતગણતરી યોજાઈ હતી. બપોર સુધીમાં તમામ 6 મહાનગરપાલિકાઓમાં જીતનું વલણ સ્પષ્ટ થયું ત્યારે અપેક્ષા પ્રમાણે જ ભાજપનો વિજય થયો છે. અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરીએ તો કુલ 48 વોર્ડ અને 192 બેઠકો પર ચૂંટણીજંગ લડવામાં આવ્યો હતો. મુખ્ય રાજકીય પક્ષ તરીકે ભાજપ અને સામે પલ્લે કોંગ્રેસ, આપ અને AIMIM વચ્ચે સત્તા મેળવવાની દોટ મંડાણી હતી. AIMIM અમદાવાદમાં ફુલફ્લેજ લડ્યો નથી, પણ મુસ્લિમબહુલક વિસ્તારોમાં ઉમેદવારો ઊભાં રાખ્યાં હતાં. 2015ની ચૂંટણીમાં ભાજપ 147 બેઠક સાથે સત્તામાં હતો, હવે ફરીથી ભાજપ માટે વધુ એકવાર અમદાવાદ પર રાજ કરવાનો મોકો આપનારી જીત બની રહી છે.
ભાજપને અંતિમ કલાકમાં થયેલું મતદાન ફળ્યું?
ચૂંટણીપ્રચાર દરમિયાન પ્રજાનો નિરુત્સાહ તેમ જ મતદાનના દિવસે પણ લોકો મતદાનમથક સુધી પહોંચવામાં ખાસ ઉત્સાહ દર્શાવ્યો ન હતો ત્યારે એન્ટિ ઇન્ક્મ્બન્સીની સ્થિતિ સર્જાતી જોઇ શકાઈ હતી અને આ પ્રકારનું મતદાન ભાજપ માટે ચિંતાની લકીર ખેંચનારુ બની રહ્યું હતું. અંતિમ કલાકોમાં એકાએક મતદાનની ટકાવારી વધી અને મામલો 46 ટકાના સરેરાશ મતદાન સુધી પહોંચી શક્યો હતો. જેથી જેટલા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો તેમની પસંદગી પણ ભાજપ બની રહ્યો હતો, તે સ્પષ્ટ થઇ ગયું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે વિધાનસભા પેટા ચૂંટણીમાં આઠેઆઠ બેઠકો જીતાડી આપી અને તેમનો જે જયકારો થયો તેમાં હવે મોટો વધારો થઇ પક્ષમાં તેમના નિર્ણય સામે કોઇ ચૂંકે ચા ન કરી શકે તેવી મજબૂત સ્થિતિ બનાવી દેશે તેવું લાગે છે. પાટીલની પેજ કમિટીઓ પરિણામમાં દેખાઈ છે, સાવ સુરસુરિયું થયું નથી, પણ પેજ કમિટીને કારણે ભાજપ તરફી મતદાન થયું છે.
6 કોર્પોરેશનના કુલ 144ની 576 બેઠક માટે 2,276 ઉમેદવારો મેદાનમાં હતાં. જેનું પરિણામ નીચે મુજબ છે.
પક્ષ | રાજકોટ | જામનગર | ભાવનગર | વડોદરા | સુરત | અમદાવાદ | કુલ |
ભાજપ | 68 | 50 | 44 | 69 | 93 | 159 | 483 |
કોંગ્રેસ | 4 | 11 | 8 | 7 | 0 | 25 | 55 |
આપ | 0 | 0 | 0 | 0 | 27 | 0 | 27 |
AIMIM | 0 | 0 | 0 | 0 | 0 | 7 | 7 |
NCP | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
અન્ય | 0 | 3 | 0 | 0 | 0 | 1 | 4 |
કુલ | 72 | 64 | 52 | 76 | 120 | 192 | 576 |
કોંગ્રેસની નૈયા ડૂબી?
સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓની જાહેરાતથી લઇને આજે પરિણામના દિવસ સુધી પર કોંગ્રેસને ઝીણી નજરે જોઇએ તો તેની નેતાગીરીની અણઘડતા અને જનતાની નાડ નહીં પારખવાની પરંપરા ફરીથી સાબિત થઇ રહી છે. કોંગ્રેસમાં ટિકીટ ન મેળવનાર અસંતુષ્ટોના કારણે એવી સ્થિતિમાં હતી કે તેના ઉમેદવારોની આખી યાદી પણ બહાર પાડી શક્યો ન હતો અને ઉમેદવારોને છાનેમાને મેન્ડેટો આપી દેવા પડ્યાં હતાં. કોંગ્રેસની તીતરબીતર સ્થિતિ જોઇને જનતાને કદાચ લાગ્યું હોય કે આ પક્ષ તેનું ઘર નથી સંભાળી શકતો તે અમને ક્યાંથી સંભાળશે! કોંગ્રેસ આ ચૂંટણીઓ જાણે ક્યાંય મેદાનમાં જ ન હોય તેવી છાપ પડી હતી. તો પરિણામનો દિવસે એવું દર્શાવી રહ્યો છે કે ગુજરાત કોંગ્રેસમુક્ત થઇ ગયું છે. અમદાવાદ જ નહીં બધી મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસનો કરુણ રકાસ સામે આવ્યો છે. સૂરતમાં તો બપોર ઢળ્યે ચારેક વાગ્યે નામ દેવા પૂરતી 4 બેઠક પર કોંગ્રેસ આગળ નીકળી હતી, જામનગરમાં 9 બેઠક દેખાતી હતી વડોદરામાં 7 બેઠક ભાવનગરમાં 8 બેઠક રાજકોટમાં 4... બે આંકડે પણ ન પહોંચી શકે તેવી આ રાષ્ટ્રીય પક્ષની હાલત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળી હતી. પ્રદેશ નેતાગીરીએ ચૂંટણી પ્રચારમાં કરેલી તમામ મહેનત ફોગટ બની રહી છે. સૌરાષ્ટ્માં પાટીદારોનો ભાજપ માટેનો રોષ પણ કોંગ્રેસ એન્કેશ કરી શકી નથી. ત્યારે સૂરતમાં પાટીદારોનો ભાજપ સામેનો રોષ અને કોંગ્રેસ દ્વારા પાસના કાર્યકરોને ટિકિટ નહીં આપવાનું વલણ APPને ફાયદો કરાવી ગયું છે. સુરતમાં બે વૉર્ડમાં APPની પેનલ બની 21 ઉમેદવાર જીતી ગયાં છે. આમ કોંગ્રેસે હવે વિપક્ષ તરીકેના હોદ્દા પરથી પણ નામું નંખાવી દીધું છે. સાંજ પડે તે પહેલાં તો રાજકોટ, ભાવનગર, સૂરત અને અમદાવાદ શહેર પ્રમુખોના રાજીનામાં પણ પડી ગયાં છે.
6 કોર્પોરેશનની 576 બેઠકનું સરવૈયું | |
---|---|
પક્ષનું નામ | બેઠક |
ભાજપ | 483 |
કોંગ્રેસ | 55 |
આપ | 27 |
NCP | 0 |
અન્ય | 11 |
કુલ | 576 |
ગુજરાતમાં મળ્યો AAPને આવકાર
આમ આદમી પાર્ટીને પ્રથમ વાર ગુજરાતમાં એન્ટ્રી મળી છે. આ વખતે આમ આદમી પાર્ટીએ ગુજરાતની 6 મનપા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉભા રાખ્યાં છે. 6 મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને નાની પણ ઐતિહાસિક તરીકે નોંધાય એવી સફળતા મળી છે. ગુજરાત જેવા રાજ્યમાં સ્થાનિક સ્તર પર પગપેસારો કરવો તે આપ માટે મોટી વાત બનશે. તેના કાર્યકર્તાઓ જ નહીં, કેન્દ્રીય નેતાઓ પણ આ કારણે વધુ આશાવાદી બનશે.. સુરતમાં આમ આદમી પાર્ટી છેલ્લાં બે વર્ષથી લોકો વચ્ચે હાજર રહીને મહેનત કરતી હતી, તેને કારણે સફળતા મળી છે. કેજરીવાલનો ચહેરો અને દિલ્હી મોડલ સૂરતના કેટલાક મતદાતાઓના મનમાં વસ્યું છે, જેને કારણે સુરતમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવી 27 બેઠકો જીતી છે. જેને કારણે આપ હવે જોમજુસ્સામાં આવી ગયો છે.
BSPએ સૌને ચોંકાવ્યાં
બહુજન સમાજ પાર્ટીએ જામનગરમાં ત્રણ ઉમેદવારે જીત હાંસલ કરીને સૌને ચોંકાવી દીધાં છે. જોવા જેવું એ છે કે બહુજન સમાજ પાર્ટીના માયાવતી સહિત કોઇ અગ્રણી નેતાએ ચૂંટણીપ્રચારમાં ભાગ લીધો નથી તેમ છતાં તેના ત્રણ ઉમેદવારની જીત થઇ છે. સ્થાનિક ઉમેદવારો હોવાના કારણે લોકોએ તેમને પસંદ કર્યાં છે નહીં કે તેમને કયા પક્ષના છે એ જોઇને. આ અણધારી જીતની કદાચ પક્ષના અગ્રણીઓને ઉમ્મીદ ન હોય તો પણ જામનગરમાં મળેલી જીત હવે પાર્ટીને વધુ મહેનત કરવા પ્રેરશે તે પણ નક્કી છે. જીત બાદ જીતેલાં ઉમેદવાર ફુરકાન શેખે કહ્યું તેમ ચૂંટણી જીતવાની કોઇ રણનીતિ હતી જ નહીં પણ પ્રજાએ તેમના કામ જોઇને તેમને મત આપ્યાં છે. દરેક પક્ષે આ જીતમાંથી ધડો લેવાની જરુર છે. આ ત્રણમાંનાં એક જ્યોતિબહેન ભાજપમાં ટિકીટ ન મળતાં બીએસપીમાં આવ્યાં હતાં તેમની જીત પણ નવો ઇશારો છે. અને ત્રીજા રાહુલ બોરીચા સોફ્ટવેર એન્જીનિયર એવા 22 વર્ષના નવયુવાન ઉમેદવારની BSPમાંથી જીત થઈ છે.
હવે પછી નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પર નજર
હવે પછી 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન 28 ફેબ્રુઆરીએ છે, અને 2 માર્ચે તેના પરિણામ છે. 6 મનપાના પરિણામની સીધી અસર જોવા મળશે. ભાજપ શહેરોના વિકાસની સાથે હવે ગ્રામ્ય વિસ્તારોના વિકાસ તરફ કૂચ કરી છે. કેન્દ્ર સરકારની યોજનાઓ ગ્રામ્ય વિસ્તાર સુધી લઈ જવી, નર્મદાનું પાણી ગામડેગામડે પહોંચાડ્યું છે. ખેતીવાડી ખૂબ સારી થઈ છે. વીજળીની કોઈ અછત નથી. આ બધા મુદ્દાને લઈને ગ્રામ્ય વિસ્તારના લોકો ભાજપથી સામાન્ય રીતે ખુશ છે. બીજી તરફ અયોધ્યામાં રામ મંદિર બનશે, કશ્મીરમાંથી 370 કલમ દૂર કરી, હિન્દુત્વનો મુદ્દો અને રાષ્ટ્રવાદનો મુદ્દો ગામડેગામડે ફેલાયો છે. જેથી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને કારણે ભાજપતરફી મતને આકર્ષી શકાશે. તો સામે કોંગ્રેસ સબળ નેતૃત્વ આપવામાં અને વિરોધ પક્ષની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ ગઈ છે. આ કારણે કોંગ્રેસને મત કોણ આપે, તેવો સવાલ પણ થઈ રહ્યો છે. કેન્દ્ર લેવલે કોઈ એવો ચહેરો નથી, જેમાં વિશ્વાસ મૂકી શકાય.
AIMIMનો નવો પડકાર ઊભર્યો
અમદાવાદ અને ભરુચમાંથી ચૂંટણી મેદાનમાં ઊતરેલી AIMIM મતગણતરી શરુ થઇ ત્યારે અમદાવાદમાં શરુઆતમાં બહેરામપુરામાં આગળ ચાલી રહી હતી. ત્યારે આશા જાગી હતી કે તેને પણ ગુજરાતમાં અને એ પણ અમદાવાદ જેવા શહેરમાં પગ મૂકવાની જગ્યા મળશે. જોકે તેને છેક સાંજે પાંચ વાગ્યા સુધી સારા સમાચારની રાહ જોવી પડી હતી. મકતમપુરામાં તેના ચારેય ઉમેદવાર આગળ નીકળ્યાં છે અને જમાલપુરમાં તો 4 બેઠક પર AIMIMને જીતનો સ્વાદ ચાખવા મળી ગયો છે. AMCમાં હવે ઔવૈસીની પાર્ટી સત્તાવાર એન્ટ્રી મેળવશે તે તેના માટે મોટી વાત છે. હવે ભરુચમાં પણ જીત મળવાનો તેનો દાવો બુલંદ બનશે તે નક્કી છે. AIMIMને કુલ 7 બેઠક પર જીત મળી છે.
2022માં વિધાનસભામાં શું પરિવર્તન આવશે?
બીજી તરફ 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. વિધાનસભાની ચૂંટણી પહેલાંની આ સેમિફાઈનલ હતી. સેમિફાઈનલના પરિણામ બતાવે છે કે ભાજપની હિન્દુત્વવાદી રાજનીતિ અને વિકાસની યાત્રાએ ગતિ પકડી છે. 6 મનપામાં ચોથી વખત ભાજપનું શાસન આવ્યું છે. પણ આમ આદમી પાર્ટીને મળેલી નાની સફળતા ઘણું બધું કહી જાય છે. કોંગ્રેસ સંદતર નિષ્ફળ ગઈ છે, તેણે પરિવારવાદમાંથી બહાર નીકળવા પુનઃ આત્મચિંતન કરવાની જરૂર છે. 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીએ મહેનત શરૂ કરી દીધી છે. સોશિયલ મીડિયામાં આપનો પ્રચાર જોરદાર રહ્યો છે. એટલે કે ગુજરાતમાં એક વર્ગ ઉભો કરવામાં સફળ રહ્યો છે. પણ એક વાત છે કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં વિધાનસભામાં મુખ્ય વિરોધ પક્ષ તરીકે બેસશે, તે નક્કી લાગે છે.
પારૂલ રાવલ સાથે ભરત પંચાલનો અહેવાલ, ETV BHARAT, અમદાવાદ