અમદાવાદ: કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધેડની હત્યા થઈ હતી. નરોડા વિસ્તારમાં રહેતા નિલેષ ઠક્કરે આ મામલે ફરિયાદ નોંધાવી હતી. પૈસાની લેતી દેતી બાબતે આરોપીએ હત્યા કરી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.
ક્યારે બની ઘટના: 55 વર્ષીય સાળા મહેશ શાહ કૃષ્ણનગરમાં શ્રીજી પાર્ક સોસાયટીમાં તે રહેતો હતો. પહેલી સપ્ટેમ્બરના રોજ તેઓની સાળી નયનાબેને ફોન કરીને જણાવ્યું હતું મહેશ શાહને ફોન કરતા તેનો ફોન બંધ આવે છે અને તમે તેમના ઘરે જઈને તપાસ કરો. જેથી નિલેષભાઈ સાળા મહેશ શાહના ઘરે પહોંચ્યા હતા. ઘરમાં તાળું મારેલુ હતું. જેથી ઘરમાં અંદરની બાજુના લાકડાના દરવાજાને ધક્કો મારતા અંદર જોતા સાળો મહેશ શાહ અંદરના રૂમમાં બેડ પર જોવા મળ્યો હતો. મોબાઈલની ફ્લેશ લાઈટથી જોતા ઘરમાં લોહી જોવા મળતા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ ઉપર પહોંચીને તપાસ કરતા મહેશ શાહના માથાના ભાગે અને શરીરના અન્ય ભાગો પર ઈજાઓ કરી હત્યા કરવામા આવી હોવાનું સામે આવ્યુ હતું.
પૈસાની લેતી દેતી બાબતે હત્યા: આ મામલે પોલીસે ગુનામાં સામેલ આરોપી સુનિલ સુરેશભાઈ નંદા નામના આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી ચિલોડા વિસ્તારમાં પત્ની અને બાળકો સાથે રહેતો હોય અને દસ વર્ષથી નરોડા જીઆઇડીસી ખાતે આવેલી રિલાયન્સ કંપની જ્યાં મૃતક પણ કામ કરતો હોય ત્યાં જ જ ફીટર તરીકે નોકરી કરતો હતો. આઠ એક મહિના પહેલા પૈસાની લેતી દેતી બાબતે આરોપી ઘટના બની તે દિવસે હથિયાર લઈને મહેશ શાહના ઘરે ગયો હતો અને આ બાબતે હત્યાને અંજામ આપ્યો હતો.
" આરોપીએ મૃતક પાસેથી 80 હજાર રૂપિયા ઉછીના લીધા હતા. જેની સામે મૃતક 2 થી 3 લાખ રૂપિયા અવારનવાર માંગતો હતો અને તેનું બાઈક પણ પડાવી લીધું હતું. ઘટના બની તે દિવસે પણ આરોપી મૃતકના ઘરે પૈસા બાબતે જ વાત કરવા ગયો હતો પરંતુ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા આરોપીએ હથોડીથી મૃતક પર હુમલો કરી હત્યા કરી હતી અને ફરાર થઇ ગયો હતો. આ અંગે ટેક્નિકલ એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીને ઝડપી લેવાયો છે." - ડૉ. કાનન દેસાઈ, DCP, ઝોન 4, અમદાવાદ