અમદાવાદઃ વિશ્વભરમાં હાહાકાર મચાવનારો કોરોના વાઈરસ ભારતમાં ઝડપથી પગપેસારો કરી રહ્યો છે. છેલ્લા 36 દિવસથી સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ધંધા રોજગાર દુકાનો પણ બંધ કરવામાં આવ્યા છે. જેના લીધે રોજનું કમાઈને રોજ ખાનારા લોકોની હાલત કફોડી બની છે.
નાના અને છૂટક મજૂરી કરનારા વર્ગો માટે ગુજરાન ચલાવવું ખૂબ જ અઘરું થઈ પડ્યું છે. આવા કપરા સમયે સરકાર દ્વારા પણ દરેકને અનાજ વિતરણ કરવામાં આવ્યું છે. પરંતુ વિતરણ કરવામાં આવેલા અનાજ કરતાં પણ જરૂરિયાત ખૂબ જ વધારે હોવાથી અને કોઈ પણ કામ ધંધો રોજગાર બંધ હોવાથી લોકોને ભૂખમરાનો સામનો કરવો પડે તેવી હાલત થયેલી છે. અમદાવાદના શિવ શક્તિ છાપરા, સરદાર નગર પોલીસ સ્ટેશનની બાજુમાં તેમજ સરદારનગરમાં જ આવેલા ભીલવાસ વિસ્તારોમાં લોકોને કોઈ સહાય મળતી ન હોવાનું કહી લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
આ રજૂઆત કરવા આવેલા લોકોએ પણ સરકાર દ્વારા કોરોનાથી બચવાના સાવચેતી રૂપે માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનું ખૂબ જ તકેદારીથી ધ્યાન રાખ્યું હતું. તેમનું એમ જ કહેવું હતું કે, અમે કોરોનાથી નહી, પણ ભૂખથી જરૂર મરીશુ.