- ફરી એક વખત ગોવા રબારીનો આતંક આવ્યો સામે
- જમીન દલાલીનું કામ કરતા વ્યક્તિનું અપહરણ
- એક કરોડની માંગી હતી ખંડણી
- ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી, અન્ય 9 આરોપી ફરાર
અમદાવાદ: ક્રાઈમબ્રાન્ચની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ ફુલ્લી ઉર્ફે ફૂલો મોતીભાઈ રબારી છે. આરોપીએ 17 ફેબ્રુઆરીના રોજ કેડીલા બ્રિજ પાસેથી જમીન દલાલનું અપહરણ કર્યું હતું અને અપહરણ કર્યા બાદ અલગ-અલગ જગ્યાએ ગોંધી રાખી એક કરોડની ખંડણી માંગી હતી. પકડાયેલા આરોપીએ ફરિયાદીની 36 તોલાની સોનાની ચેઈન ઝૂંટવી લીધી હતી. આ ઉપરાંત અન્ય 70 લાખ માટે ધમકી આપી હતી. જે અંગે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જમીન દલાલ અને વેપારીને ધમકાવી કરી ખંડણી
જમીન દલાલ અને વેપારીને ધમકાવી રૂપિયા પડાવી ખંડણી ગેંગના મુખ્ય સૂત્રધાર તરીકે ગોવા રબારીનું નામ સામે આવી રહ્યું છે. લૂંટ-ખંડણી અને ધમકીના ગુનામાં ભલે દસ આરોપી સંડોવાયેલા હોય પરંતુ ભૂજ જેલમાં બંધ ગોવા રબારી આ ખંડણીની ગેંગ ચલાવતો હોવાની શક્યતા છે. કારણકે લૂંટમાં ગયેલી સોનાની ચેઈન પણ પોલીસે ગોવા રબારીના ઘરેથી કબ્જે કરી છે. જેને લઈ ક્રાઈમ બ્રાન્ચે ગોવા રબારીની પૂછપરછની તૈયારી શરૂ કરી છે.
પોલીસ ખંડણીના નેટવર્કનો કરશે પર્દાફાશ
આ ગુનામાં મહત્વનું છે કે, મહેશ રબારી, નાગજી રબારી, અલ્પેશ હિરવાણી અને કરણ મરાઠી સહિત 9 આરોપી ફરાર છે. જેને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાન્ચે 10 અલગ-અલગ ટીમો કામે લગાડી છે. ત્યારે જમીન દલાલ પાસેથી એક કરોડ વસૂલવા માટે આરોપીએ તેને તેના મિત્રની હત્યાની ધમકી પણ આપી હતી. જોકે હવે પોલીસ ખંડણીના નેટવર્કનો પર્દાફાશ કરવા છેક અમદાવાદથી ભુજ જેલ સુધી તપાસ લંબાવશે.