કાર્યકારી ચીફ જસ્ટીસ અંનત દવે અને બિરેન વૈષ્ણવની ડિવિઝન બેન્ચે નીચલી કોર્ટના આદેશને યથાવત રાખતા મહત્વનું અવલોકન કર્યું હતું કે, આરોપી કંડક્ટર ચંદ્રકાંત પટેલ વિરૂદ્ધ આ કેસ સિવાય પણ પૈસા લઈ યાત્રીઓને ટિકિટ ન આપવાના 35 જેટલા ગુના નોંધાયેલા હોવાથી હાઈકોર્ટે રાહત ન આપી અગાઉ હાઈકોર્ટના સિંગલ જજ સી.એલ સોની અને ઈન્ડિસ્ટ્રિયલ ટ્રિબિયુનલ દ્વારા ફટકરાવામાં આવેલી સજાને યથાવત રાખી છે.
નીચલી કોર્ટ અને હાઈકોર્ટના સિંગલ જજના ચુકાદાને હાઈકોર્ટની ડબલ બેન્ચ સમક્ષ પડકારતા અરજદાર કંડેક્ટરના વકીલ સતીષ પંડ્યાએ દલીલ કરી હતી કે અરજદાર વિરૂદ્ધ પૈસા લઈ ટિકિટ ન આપવાના 35 જેટલા ગુના નોંધાયેલા છે. જેમાં સતાધિશ વિભાગ દ્વારા હળવી સજા કરવામાં આવી છે. જેથી માત્ર 9 રૂપિયાની ટિકિટ માટે આટલી કપરી સજા ન કરવામાં આવે. ફટકરાવામાં આવેલી સજાથી અરજદારને જીવનકાળની નોકરી દરમિયાન આશરે 15 લાખ રૂપિયાનો આર્થિક નુકસાન થશે. યાત્રી હસમુખ પટેલે ચેંકિગ ઈન્સપેક્ટ સમક્ષ નિવેદન આપ્યું હતું કે તેમણે 9 રૂપિયા ભાડા પેટે કંડક્ટરને ચુકવ્યા હોવા છતાં ટિકિટ મળી નથી અને બાદમાં થયેલી તપાસ દરમિયાન ટિકિટ રજુ કરી હતી.
જેને લઇને હાઈકોર્ટે નોંધ કરી છે કે કંડેક્ટરની હાજરીમાં જ યાત્રી હસમુખ પટેલનું નિવેદન લેવામાં આવ્યું અને તેવી જ રીતે ચેકિંગ ઈન્સપેક્ટર દ્વારા કંડક્ટરનો નિવેદન લેવામાં આવ્યું હતું. યાત્રી હસમુખ પટેલે નિવેદનમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે ભાડા પેટે 9 રૂપિયા ચુકવ્યા છતાં કંડેક્ટર દ્વારા ટિકિટ આપવામાં આવી નથી. અરજદાર કંડેક્ટરે પણ નિવેદનમાં જણાવ્યું હતું કે યાત્રી અભણ હોવાથી લેખિત નિવેદન વાંચી અને તેને સંભળાવ્યા બાદ તેમનો અંગુઠો લઇ લેવામાં આવ્યો હતો. એટલું જ નહિ ચેકિંગ ઈન્સપેક્ટર અને તપાસ અધિકારીને આપેલા નિવેદનમાં એક મહિના જેટલો તફાવત હોવાથી યાત્રી દ્વારા તપાસ અધિકારી સમક્ષ ટિકિટ રજુ કરાઈ હોવા છતાં અરજદાર કંડક્ટર પોતાના નિવેદનથી ફરી શકતા નથી. હાઈકોર્ટે ચેકિંગ ઈન્સપેક્ટરની તપાસને ખરી અને યોગ્ય હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં ખાતાકીય તપાસ બાદ વર્ષ 2014માં ઈન્ડિસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ દ્વારા કંડક્ટરને વર્તમાન પગાર-ધોરણમાંથી બે સ્કેલ ઓછા પગાર ધોરણમાં કાયમી ફિક્સ પગાર પર નોકરી કરવાનો આદેશ આપ્યો હતો. જેને 4 વર્ષ બાદ હાઈકોર્ટના સિંગલ જજ સમક્ષ બાદ ડબલ બેન્ચે પણ યથાવત રાખ્યો હતો.
આ સમગ્ર કેસની વિગત મુજબ વર્ષ 2003માં યાત્રી હસમુખ ભાઈ GSRTCની બસમાં બીલીમોરા પાસે આવેલા ચીખલીથી અંબાચ જઈ રહ્યાં હતા. ત્યારે કંડક્ટર ચંદ્રકાંત પટેલને ભાડા પેટે 9 રૂપિયા ચુકવ્યા હોવા છતાં ટિકિટ આપી ન હતી અને એટલામાં ખુદવેલ નામની જગ્યા પાસેથી ટિકિટ ચેકિંગ ઈન્સપેક્ટર બસમાં આવતા ટિકિટની તપાસ કરવામાં આવી હતી અને યાત્રી હસમુખભાઈ પાસેથી ટિકિટની માગ કરવામાં આવી હતી. જોકે ટિકિટ ન મળતા સમગ્ર સ્થિતિનો ભાંઠો ફુટ્યો હતો. યાત્રી હસમુખ ભાઈના નિવેદન બાદ કંડક્ટર વિરૂધ ખાતાકીય તપાસ શરૂ થઈ હતી અને વર્ષ 2009માં ઈન્ડસ્ટ્રિયલ ટ્રિબ્યુનલમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
અમદાવાદથી રિપોર્ટર આકિબ છીપાનો વિશેષ અહેવાલ.