અમદાવાદઃ હાઇકોર્ટે ચૂકાદામાં મહત્ત્વના અવલોકન કરતાં જણાવ્યું હતું કે, ધોળકાના ચૂંટણી અધિકારી ધવલ જાની દ્વારા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને લાભ કરવા માટે ભ્રષ્ટાચાર આચર્યો હતો. હાઈકોર્ટે આ વાતને માન્ય રાખીને ચુડાસમાની જીતને રદ જાહેર કરી છે. આગામી દિવસોમાં ધોળકા વિધાનસભા બેઠક પર ફરિવાર પેટા ચૂંટણી યોજાશે.
આ અગાઉ ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વકીલ નિરૂપમ નાણાવટ્ટીએ આ કેસમાં વધુ સાક્ષીઓની ઉલટ તપાસની જરૂર ન હોવાથી પુરાવવા બંધ કરવાની માંગ કરતા કોર્ટે તેને રેકોર્ડ પર લીધી હતી. અરજદાર તરફથી કરાયેલી અરજીમાં અગાઉ ભુપેન્દ્રસિંહ ચુડાસમા તરફથી પોતાની તરફેણમાં સાક્ષીઓ તપાસવાની યાદી અદાલત સમક્ષ રજૂ કરાઈ હતી. ધોળકા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર જાવેંદ મીંયા કાદરીએ સાક્ષી તરીકે પુરાવવા આપવાનો ઈન્કાર કર્યો હતો. જેથી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતે જુબાની આપવાની તૈયારી બતાવી હતી. ચુડાસમાની જુબાની પૂર્ણ થતાં તેમના પછી કોર્ટમાં જુબાની કોણ આપશે તેનું નામ આપવાનું હતું, જો કે તેમના વકીલે વધુ સાક્ષીઓને ન તપાસવાની રજૂઆત કરી હતી.
ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જુબાની દરમિયાન હાઈકોર્ટની કામગીરી સામે વાંધો વ્યકત કરતી દાખલ કરેલી સુપ્રિમ કોર્ટમાં અરજી મુદે જસ્ટીસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં માફી માગી હતી. જેના જવાબ કોર્ટે કહ્યું કે, અમને તેની જરૂર નથી. ચુડાસમાની બે દિવસ જુબાની ચાલી હતી. જેમાં તેમને મત-ગણતરી સેન્ટરના સીસીટીવી ફૂટેજ બતાવવામાં આવ્યા હતા. જેમાં સીસીટીવીમાં દેખાતા શંકાસ્પદ વ્યકિતને કાયદા પ્રધાને પોતાનો ઓફિસ આસિટન્ટ ગણાવ્યો હતો.
મહત્વનું છે કે, હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટે સ્ટે માગ્યો હતો જેને હાઇકોર્ટે ફગાવી દીધો છે.
ઉલ્લેખનીય છે કે, આ જ વ્યકિતને ઓળખવા મુદે ચૂંટણી અધિકારી ધવલ જાનીએ અત્યાર સુધી હાઈકોર્ટને કોઈ જવાબ આપ્યો નથી.
વર્ષ 2017 ધોળકા વિધાનસભા જીતને પડકારતી રિટ મુદે કાયદા પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા 27મી ઓગસ્ટના રોજ જસ્ટીસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં સાક્ષી તરીકે હાજર રહી જુબાની આપશે. ધોળકા વિધાનસભા બેઠકથી ભુપેન્દ્રસિંહ ચુડાસમા 327 મતથી જીત્યા હતા જેને કોગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ દ્વારા પડકારવામાં આવી હતી. અશ્વિન રાઠોડે ચુડાસમા પર મત-ગણતરીમાં ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી.