હાઈકોર્ટે 22મી ઓગસ્ટના રોજ સરકારને 48 કલાક સુધીમાં જશીબેનના ખાતામાં 5 લાખ રૂપિયા વળતર પેટે ચુકવવાનો આદેશ કર્યો હતો જોકે સરકારે પૈસા ન હોવાની કોર્ટમાં દલીલ કરી હતી. ત્યારબાદ હાઈકોર્ટના જસ્ટીસ ભાર્ગવ કારીયાએ 11મી નવેમ્બર સુધીમાં 5 લાખ રૂપિયા ચુકવવાનો આદેશ કર્યો હતો અને જો જશીબેનનું બેંકમાં ખાતું ન હોય તે ખોલવા અંગે પણ આદેશ કર્યો હતો.
2008માં મુંબઈમાં થયેલા આતંકી હુમલા બાદ મૃતકના વિધવા પત્ની જશીબેને વળતર માટે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી. જેની તેમના પતિ અને હુમલાના 11 વર્ષ બાદ ચુકવણી કરવામાં આવી છે. આ આતંકી હુમલામાં આશરે 164 લોકોના મોત નીપજ્યાં હતા. આ મુદે અગાઉ હાઈકોર્ટમાં સરકારી વકીલ શ્રતિ પાઠક તરફે દલીલ કરી હતી કે વિધવાને પૈસા આપવા માટે સરકાર પાસે હાલ પુરતું ફંડ નથી. જેની સામે હાઈકોર્ટે જો સરકાર પાસે નાણાં ન હોય તો મુખ્યપ્રધાન રાહત ફંડમાંથી પૈસા આપી બાદમાં આતંરિક સેટલમેન્ટ કરવાનો સરકારને આદેશ કર્યો હતો. અરજદાર પત્નીએ કોર્ટને જણાવ્યું કે તેમના મૃત પતિના વળતર માટે તેઓ દરેક જગ્યાએ રજુઆત કરી હોવા છતાં કઈં ન થતાં હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી.
2008માં આતંકી હુમલા પહેલાં બોટનું અપહરણ કરવામાં આવ્યું હતુ. જેમાંથી કેટલાક લોકો જીવતા બચી ગયા હતા જ્યારે વિધવાના પતિ રમેશ ભામણીયા ગુમ થયા હતા. જ્યારબાદ લાંબી કાયદાકીય લડત બાદ 2017માં સરકાર દ્વારા તેમને મૃત જાહેર કરી દેવાયા હતા.