- ઉત્તરાયણ ઉજવવા પર પ્રતિબંધ નહી
- રાજ્ય સરકારે રજૂ કરેલી માર્ગદર્શિકાનું યોગ્ય પાલન જરૂરી
- મેદાન કે રસ્તા પર પતંગ ચગાવી નહી શકાય
અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટમાં પતંગ દોરાના વેચાણ પર પ્રતિબંધની માંગ સાથે જાહેર હિતની અરજી કરાઈ હતી. તેમજ ગુજરાતના પતંગ ઉત્પાદકોના એસોસીએશને હાઈકોર્ટમા પિટિશન કરી હતી, અને માંગ કરી હતી કે, પતંગ ઉદ્યોગથી લાખો લોકો રોજગારી મેળવે છે. જેથી પતંગ દોરીના વેચાણ પર પ્રતિબંધ ન મુકવો જોઈએ. આ કેસની વધુ સુનાવણી આજે ધરાઈ હતી. જેને પગલે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં માર્ગદર્શિકા રજૂ કરી હતી, અને તે અનુસાર હાઈકોર્ટ મંજૂરીની મ્હોર મારી દીધી છે.
રાજ્ય સરકારે કડક પાલન કરાવવું પડશે
ગુજરાત હાઈકોર્ટ કહ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા યોગ્ય છે. પતંગ ઉડાડવા પર પ્રતિબંધ નથી, અને સરકારે જારી કરેલી માર્ગદર્શિકાનું યોગ્ય રીતે અને કડક પાલન થાય તે ખૂબ જરૂરી છે.
ગુજરાત સરકારે રજૂ કરેલી માર્ગદર્શિકા
- લોકો ઉત્તરાયણ ઉજવી શકશે
- મેદાન કે રસ્તા પર પતંગ ચગાવી શકાશે નહી
- ફલેટમાં ભીડ ભેગી થઈ તો ફલેટના ચેરમેન જવાબદાર ગણાશે
- પરિવારના સભ્યો સાથે જ પતંગ ચગાવી શકાશે
- બહારના કોઈપણ સભ્ય બીજી વ્યક્તિના ધાબા પર ઉત્તરાયણ નહી કરી શકે
- ડીજે વગાડી શકાશે નહી
- 11, 12, 13 અને 14 જાન્યુઆરીના રોજ રાત્રિ કરફ્યૂનો કડકાઈથી અમલ કરાશે
- માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે
- પતંગ બજારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે
- ચાઈનીઝ તુક્કલ અને ચાઇનીઝ માંજા પર પ્રતિબંધ
600 કરોડથી વધુના પતંગ દોરા વેચાય છે
હાઈકોર્ટની સુનાવણીમાં બહાર આવ્યું છે કે, ગુજરાતમાં રૂપિયા 600 કરોડથી વધુના પતંગ દોરા વેચાય છે, અને એક લાખથી વધુ લોકો રોજગારી મેળવે છે. તેમની જીવાદોરી પર પ્રતિબંધ ન મુકી શકાય. જેથી ઉત્તરાયણ ઉજવવા પર કોઈ પ્રતિબંધ નથી. માત્ર રાજ્ય સરકારે બહાર પાડેલ માર્ગદર્શિતાનું કડક પાલન થાય તે જરૂરી છે. દિવાળીમાં જે ચૂક થઈ તે ઉત્તરાયણમાં ન થાય તેનું ધ્યાન રાખવું પડશે.