આ અરજી મુદ્દે શુક્રવારે કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠ સમક્ષ રાજ્ય સરકારે જવાબ રજુ કર્યો હતો. જેમાં તમામ ધર્મના ધાર્મિક સ્થળોનો સામવેશ અને તેના માટે ફાળવેલ રૂપિયાની વિગતો રજુ કરવામાં આવી હતી. પરતું ઉલ્લેખનીય છે કે, જવાબમાં જે ધાર્મિક સ્થળના નામનું ઉલ્લેખ કરાયું છે તેની દરખાસ્ત ન મળી હોવાની વિગતો સામે આવી છે.
પવિત્ર યાત્રાધામ બોર્ડ મુદ્દે રાજ્ય સરકાર તરફથી રજુ કરાયેલા જવાબમાં જણાવવામાં આવ્યું છે કે, પવિત્રયાત્રા ધામ બોર્ડની સ્થાપના પહેલાં ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ધાર્મિક સ્થળની માળખાગત સુવિધા અને જાળવણીનું કાર્ય કરવામાં આવતું હતું. ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન બોર્ડે સરખેજ રોઝામાં લાઈટ અને સાઉન્ડ નિર્માણ માટે 4.5 કરોડ રૂપિયાનું ટેન્ડર પાસ કર્યું છે. જેનું કામકાજ થોડા દિવસોમાં શરૂ થશે. આજ રીતે પીરાણા ખાતે ઈમામ શાહ બાવાની દરગાહ તેમજ ઉનાવા ખાતે મીરા દાતારની દરગાહ સહિતના સ્થળે પણ સુવિધા ઉપલબ્ધ કરાવવાનું જવાબમાં રજુ કરાયું છે. પરતું જ્યારે જે તે કલેક્ટર પાસે હજુ સુધી આવી કોઈ દરખાસ્ત કરવામાં આવી નથી.
ગુજરાત ટુરિઝમ બોર્ડે અંબાજી, ડાકોર, સોમનાથ તેમજ પાલિતાણા સહિતના સ્થળો માટે ફંડની ફાળવણી કરી છે. જેમાં સરકાર શ્રવણ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને પરીવહનના ભાડામાં 50 ટકા જેટલી છુટ આપે છે. સંત નગરીમાં ગૌતમ બુદ્ધની પ્રતિમાની જાળવણી માટે 5.75 કરોડ રૂપિયા ફાળવાયા છે. યહુદી ધર્મ સ્થળ ઉદવડા માટે 10 કરોડ, કચ્છમાં ગુરુદ્વારા માટે 5 કરોડની ફાળવણી કરાઈ હોવાની સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.
અગાઉ હાઈકોર્ટે આ મામલે રાજ્ય સરકારને ટકોર કરતા કહ્યું હતું કે, સરકારની યોજના કોઈ એક ધર્મ માટે નથી. દરેક યોજના હેઠળ બધા ધર્મના લોકોને લાભ મળવો જોઈએ. રાજ્ય સરકારની પવિત્રયાત્રા ધામ બોર્ડ યોજના હેઠળ નોંધાયેલા તમામ ધાર્મિક સ્થળને સરકાર દ્વારા આર્થિક મદદ કરવામાં આવે છે અને તેનો ખર્ચ પણ સરકાર દ્વારા ભોગવાય છે. હાઈકોર્ટે ગત 10મી ઓક્ટોમ્બરના આ મુદ્દે સરકારને નોટીસ આપીને ડિસેમ્બર મહિના સુધી જવાબ રજુ કરવાનો આદેશ કર્યો હતો.
હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં ઉલ્લેખ કરાયો હતો કે, પવિત્ર યાત્રા ધામ બોર્ડમાં સમાવિષ્ટ 358 જેટલા ધાર્મિક સ્થળ માત્ર એક ધર્મના જ છે. હાઇકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, બિનસાંપ્રદાયિક દેશમાં સરકાર તરફથી કોઈ એક ચોક્કસ ધર્મ માટે પ્રજાના પૈસાની ફાળવણી અયોગ્ય છે. સરકાર કોઈ એક ધર્મ માટે પૈસાની ફાળવણી ન કરી શકે અને ધર્મના આધારે આ પ્રકારની ફાળવણી ગેરબંધારણીય છે. અરજદારે અરજીમાં કહ્યું કે, સરકારે જો યાત્રાધામમાં વિકાસ જ કરવો હોય તો તમામ ધર્મના યાત્રાધામમાં પણ વિકાસ કરવાની સરકારની જવાબદારી છે.