અમદાવાદઃ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા તેજેન્દ્ર ક્રિસ્ટલ બંગલોમાં આપઘાતની ઘટના બની હતી. જેમાં સ્થાનિક 26 વર્ષી તેજલ ઘનશ્યામભાઈ સોઢા તેના પરિવાર સાથે રહેતી હતી. એક યુવક સાથે પરિવારે સબંધ નક્કી કર્યો હતો અને દીકરી તેજલની સગાઈ પણ નક્કી થઈ હતી. સગાઈ માટે 22 એપ્રિલની તારીખ નક્કી થઈ હતી. પરંતુ લૉકડાઉનને કારણે આ તારીખ લંબાવાઈ હતી. આ જ કારણે તેજલ સખત ડિપ્રેશનમાં આવી ગઈ હતી. પરિવારે તેને સાંત્વના આપી હતી પણ તેમ છતાં તે તણાવમાં રહેતી હતી.
તણાવ વચ્ચે અચાનક જ તેજલે આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યાની ઘટનાને લઈને રામોલ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું કે, સગાઈની તારીખ લૉકડાઉનને કારણે આગળ ધકેલાતી હોવાથી તેજલે ડિપ્રેશનમાં આવીને આપઘાત કર્યો છે. હાલ સમગ્ર બાબતે વધુ તપાસ કરવામાં આવી રહી છે.