- કમલમ ખાતે નવનિયુક્ત હોદ્દેદારોની બેઠક યોજાઇ
- નવનિયુક્ત હોદ્દેદારોએ ભાજપની જીત માટે જવાબદારીઓ નિભાવવા દ્રઢ નિર્ણય કર્યો
- આગામી ચાર દિવસમાં જિલ્લા સ્તરે ભાજપ લીગલ સેલની કાર્યશાળા યોજાશે
ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં નવનિયુક્ત પ્રદેશ હોદ્દેદારોની પ્રથમ બેઠક યોજાઇ હતી. જેમાં પ્રદેશ હોદ્દેદારો ભીખુ દલસાણીયા, રજની પટેલ, પ્રદીપસિંહ વાઘેલા, વિનોદ ચાવડા તેમજ ઉપપ્રમુખો અને પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં ભાજપને ભવ્ય જીત અપાવવા હોદ્દેદારો મક્કમ
આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પ્રદેશની નવનિયુક્ત ટીમે આગામી ચૂંટણીઓમાં ભવ્ય વિજયની કામના સાથે તેમને સોંપાયેલી જવાબદારી સુપેરે નિભાવવા માટે નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
ભાજપના પ્રદેશ મંત્રી મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે, નવનિયુક્ત પ્રદેશ પદાધિકારીઓની બેઠકમાં પહેલા ભાજપા કાર્યાલય ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાની ઉપસ્થિતિમાં પ્રદેશ લીગલ સેલની બેઠક યોજાઇ હતી. આઠ હજારથી વધુ ઉમેદવારો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવવાના છે. ત્યારે જિલ્લા અને મંડલ સ્તરે વ્યવસ્થાનું આયોજન અંગે આ બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આગામી ચાર દિવસમાં મંડળ સ્તરે ગ્રૂપ મીટિંગ
આ જ પ્રકારે આગામી ચાર દિવસમાં જિલ્લા સ્તરે લીગલ સેલની કાર્યશાળા યોજાશે. તેમજ મંડલ સ્તરે ગ્રુપ મીટીંગનું આયોજન થશે. આગામી ચૂંટણીઓના અનુસંધાને કાયદાકીય અને આચારસંહિતાને લગતી બાબતો અંગે સ્થાનિક સ્તરે માર્ગદર્શન આપવામાં આવશે.