- છેલ્લા નવ વર્ષથી નર્મદા વિભાગ દ્વારા બનાવેલી માઇનોર કેનાલ ઝાડી-ઝાંખરા અને જર્જરિત અવસ્થામાં
- અણીયાળી મુખ્ય કેનાલથી તગડી પીપલ ગામની કેનાલ પર બે સાયફનની જગ્યાએ એક સાયફન
- કેનાલની આગળના ભાગે બીજું સાયફનના મુકાતા પાણી આગળ જવું મુશ્કેલ
- નવ નવ વર્ષથી ખેડૂતોને પાણી ન મળતા આગામી સમયે અહિંસક લડત આપવા ખેડૂતોની ચીમકી
અમદાવાદ: ધંધુકા તાલુકાના તગડી અને પીપલ ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા નર્મદા વિભાગ દ્વારા માઇનોર કેનાલ બનાવવામાં આવી હતી, જે કેનાલ બનાવ્યાને નવ વર્ષ પૂર્ણ થવા છતાં પણ ખેડૂતોને માઇનોર કેનાલ દ્વારા સિંચાઇનું પાણી આજ દિન સુધી મળ્યુ નથી. માઇનોર કેનાલમાં જાડેજા ખાખરા અને બાવળનું સામ્રાજ્ય જોવા મળે છે, તો હલકી ગુણવત્તાથી બનાવેલ કેનાલનો અસ્તિત્વ જ જોવા મળતું નથી.
ખેડૂતો દ્વારા આક્ષેપ
ખેડૂતો દ્વારા નર્મદા વિભાગના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સહકારી આગેવાન એવા ચુડાસમાં સતુભાના જણાવ્યા પ્રમાણે પીપર ગામના ખેડૂતો 1500 વીઘા જેટલી જમીન સિંચાઈના પાણીથી વંચિત છે, તો સિંચાઈનું પાણી મળ્યું હોય તો ખેડૂતો ખરીફ પાક પછી રવિ પાક જેવા કે ઘઉં, ચણા અને જીરું જેવા પાકનું વાવેતર કરી શક્યા હોત. રાજ્ય સરકાર કહે છે કે ખેડૂતોને ગામડે ગામડે સિંચાઈનું પાણી મળશે અને ખેડૂતોની આવક બમણી થશે તેવી જાહેરાતો માત્ર પોકળ સાબિત થઈ છે. અન્ય ગામડાઓને સિંચાઇનું પાણી મળે છે તો અમને ક્યારે મળશે ? તેવો પ્રશ્નો ઉપસ્થિત થયો છે. અમારા ગામોને સિંચાઈ માટે પાણીની સુવિધા નહોતી આપવી તો શા માટે માઇનોર કેનાલ બનાવવામાં આવી ?
સરપંચે આ અંગે આપી પ્રતિક્રિયા
પીપલ ગ્રામ પંચાયતના સરપંચ સરદાર સિંહ ઝાલાના જણાવ્યા પ્રમાણે લીંબડી ખાતે આવેલી નર્મદા વિભાગના કાર્યપાલક ઇજનેર પરમારને લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેમને કોઈ કેનાલ અંગે ધ્યાન દોર્યું નહીં કે કેનાલનું સમારકામ પણ કરવામાં આવેલ નહીં. પરિણામ સ્વરૂપે ખેડૂતો આજ દિન સુધી સિંચાઈના પાણીથી વંચિત રહ્યા છે.
પાણી નહી મળે તો આંદોલન કરવાની આપી ચિમકી
આમ, ઉપરોક્ત બંને ગામના ખેડૂતોને સિંચાઈના પાણી આપવા માટે માઇનોર કેનાલ બનાવવામાં તો આવી છે પરંતુ કેનાલમાં આજ દિન સુધી પાણી આવ્યું નથી. કેમકે માઇનોર કેનાલનું અસ્તિત્વ જ જોવા મળતું નથી, તો પાણી ક્યાંથી આવી શકે ? ત્યારે આ બંને ગામના ખેડૂતો સિંચાઈ માટે પાણી ઝંખી રહ્યા છે. જો આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા ઉકેલ નહિ લાવવામાં આવે તો આગામી સમયે ખેડૂતોએ અહિંસક લડત આપવા રાજ્ય સરકાર સામે ચીમકી ઉચ્ચારી છે.