અમદાવાદઃ કરચોરી મામલે સ્ટેટ GST વિભાગે મોટી કાર્યવાહી કરી છે. કરોડોની ટેક્સ ચોરી ઝડપી પાડવામાં આવી છે. સૌરાષ્ટ્રમાંથી રૂપિયા 304 કરોડનું બોગસ બિલ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. રાજકોટ વેટ વિભાગે સિંગદાણાના વેપારમાં થતી કરચોરીને ઝડપી પાડી છે.
ગુજરાતમાં વધુ એક 304.17 કરોડ રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે. સ્ટેટ GSTના અધિકારીઓએ સૌરાષ્ટ્રના બોગસ બિલિંગ કૌભાંડના માસ્ટર માઇન્ડ સંજય મશરૂની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. સંજયે 8 બોગસ કંપની રજિસ્ટર્ડ કરાવી રૂપિયા 304.17 કરોડના બિલ વગરના સીંગદાણા વેચી દઈ સરકારને 15.21 કરોડનો ચુનો લગાવ્યો છે.
આ પ્રકરણમાં અમદાવાદ સહિત રાજ્યભરના જે વ્યાપારીઓએ સંજય પાસેથી સીંગદાણા ખરીદ્યા હશે તેમને ત્યાં તપાસનો રેલો પહોંચશે.
બોગસ અલગ અલગ 8 કંપનીઓ
1 જલારામ ટ્રેડિંગ કંપની રૂપિયા 15.90 કરોડ
2 શ્રીનાથજી એન્ટરપ્રાઇઝ 20.89 કરોડ
3 મારુતિ ટ્રેડિંગ કંપની 17.14 કરોડ
4 રઘુવીર ટ્રેડિંગ કંપની 113.65 કરોડ
5 તીર્થ ટ્રેડિંગ કંપની 13.39 કરોડ
6 રોયલ એન્ટરપ્રાઇઝ 71.05 કરોડ
7 દુર્ગા ટ્રેડિંગ કંપની 32.02 કરોડ
8 કૃષ્ણ ટ્રેડિંગ કંપની 20.09 કરોડ
ચોરી કરતા વેપારી દ્વારા અલગ અલગ 8 પેઢીના નામે વેટ નંબર લેવામાં આવ્યા હતા અને આ સિંગદાણાની રાજ્ય તથા રાજ્યની બહાર નિકાસ કરવાનું કામ આ વેપારી કરતો હતો.
સૌરાષ્ટ્રના અલગ અલગ 35 સ્થળો પર હાલ વેટ વિભાગે દરોડા પાડ્યા છે. જેમાંથી જૂનાગઢના સંજય મશરૂ નામના એક શખ્સને 15.21 કરોડની વેટ ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. હાલ કોર્ટમાંથી ઝડપાયેલા શખ્સના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો.કે નજીકના દિવસોમાં સિંગદાણા ખરીદી નારા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે.
વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોટા પ્રમાણે હજુ પણ વેટ ચોરી બહાર આવે તેવી શકયતા જોવા મળી રહી છે.