અમદાવાદ: સામાન્ય રીતે આપણા ઘરમાં બેડ પરની બેડશીટ અઠવાડિયે કે પંદર દિવસે બદલાતી હશે, પરંતુ સિવિલ હોસ્પિટલમાં ફક્ત કોરોના માટેની ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની બેડશીટ દરરોજ બદલાય છે.
![Corona positive patients](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-04-civil-bedsheet-photo-story-7204015_26042020104801_2604f_1587878281_397.jpg)
આ બેડશીટ માટે અઠવાડિયાના સાત વાર પ્રમાણે સાત રંગો પણ નક્કી કરવામાં આવ્યા છે. જે અનુસાર દરરોજ નવા-નવા કલરની બેડશીટ દર્દીઓના બેડ પર પાથરવામાં આવે છે. સોમવારે સફેદ, મંગળવારે ગુલાબી, બુધવારે લીલો, ગુરૂવારે પીળો, શુક્રવારે જાંબલી, શનિવારે વાદળી અને રવિવારે રાખોડી કલરની બેડશીટ દર્દીઓના બેડ પર લગાવવામાં આવે છે.
![Corona positive patients](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-04-civil-bedsheet-photo-story-7204015_26042020104801_2604f_1587878281_805.jpg)
રંગોની આ રંગોળી વિશે કોવિડ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડૉ. સંજય કાપડિયા કહે છે કે, કોરોના વાઈરસના પોઝિટિવ દર્દીઓના બેડશીટના રંગો દરરોજ બદલાવાને કારણે તેમના માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે. તેમનામાં સકારાત્મકતાનો સંચાર થાય છે. રોજે રોજ બેડશીટ બદલવાથી સ્વચ્છતા તો જળવાય જ છે, સાથે-સાથે દર્દીઓ પણ પોતાની વેદનાને ભૂલી એક તાજગીનો અહેસાસ કરે છે.
![Corona positive patients](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-04-civil-bedsheet-photo-story-7204015_26042020104801_2604f_1587878281_632.jpg)
ડૉ. સંજય કાપડિયાએ જણાવ્યું કે, દર્દીઓમાં સકારાત્મકતા વધવાના કારણે તેમની માનસિક સ્થિતિ સુધરે છે. જેથી તેમની આંતરિક રોગપ્રતિકારક શક્તિમાં પણ સુધારો આવે છે. આ સાથે ક્યારેક સ્ટાફ દ્વારા કેટલાક કિસ્સામાં આળસના પગલે ચાદર ન બદલવા જેવી માનસિકતા પણ ક્યાંકને ક્યાંક જોવા મળતી હોય છે. જો એક જ કલરની ચાદર હોય તો તંત્રને પણ ખબર ન પડે કે આ ચાદર બદલાઈ છે કે નહીં. એટલે જુદા જુદા રંગોની ચાદર હોવાના કારણે તમને તરત જ ખબર પડે કે, આ ચાદર બદલવામાં આવી છે. આ પણ એક મહત્વનું કારણ છે. કારણ કે સ્વચ્છતા સાથે સાથે તમામ દર્દીઓને ચાદર પિલો કવર એ બધું જ સાફ અને જંતુમુક્ત મળે તે જરૂરી છે.
કોરોનાના દર્દીઓને દવા, દેખભાળ, માનસિક શાંતિ વગેરે ઉપલબ્ધ કરાવવા સાથે રંગોના વિજ્ઞાનને સમજી દર્દીઓને માનસિક શાંતિ મળે તેવા હકારાત્મક વાતાવરણનું સર્જન વોર્ડમાં રચાયું છે. કયા વારે કઈ બેડશીટ બદલવામાં આવશે. તે અંગેની વિગત પણ વોર્ડમાં લગાવવામાં આવે છે. જેથી દર્દીઓને પણ ખ્યાલ રહે કે, આજે કઈ ચાદર અમારા બેડ પર લગાવવામાં આવનારી છે.