- હિટ એન્ડ રન કેસના આરોપીને કોર્ટમાં રજૂ કરાયો
- કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
- ત્રણ દિવસના માગ્યા હતા રિમાન્ડ
અમદાવાદ : શહેરના બહુચર્ચિત શિવરંજની હિટ એન્ડ રન (Hit and run) કેસમાં શ્રમિક પરિવારને કચડનારો આરોપી યુવક પર્વ શાહ મંગળવારે સાંજે પોલીસ સામે હાજર થયો હતો. પર્વ શાહને ટ્રાફિક પોલીસ (Traffic police) દ્વારા બુધવારે મીરજાપુરની ગ્રામ્ય કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે પર્વ શાહના ગુરૂવાર 1 વાગ્યા સુધીના રિમાન્ડ (Remand) મંજૂર કર્યા છે. પોલીસ તરફથી તેના ત્રણ દિવસના રિમાન્ડ (Remand) માગવામાં આવ્યા હતા પણ કોર્ટે માત્ર એક જ દિવસના રિમાન્ડ (Remand) મંજૂર કર્યા હતા. આ કેસમાં પોલીસે કોર્ટમાં 304ની કલમ દાખલ કરવા પરવાનગી માગી હતી. જેમાં કોર્ટે પણ 304 દાખલ થવી જોઈએ તેવું નોંધ્યું હતું.
આ પણ વાંચો : અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી, એક મહિલાનું મોત, 03 બાળકો ઇજાગ્રસ્ત
પોલીસે ત્રણેયને અલગ અલગ બેસાડીને તેમના નિવેદન નોંધ્યાં
સેટેલાઈટ પોલીસે મંગળવારે પર્વ શાહ તથા તેના અન્ય 3 મિત્રોને પોલીસ સ્ટેશનમાં હાજર કર્યા હતા. જે તમામ પર્વ શાહ સાથે અકસ્માત બાદ ભાગી છૂટ્યા હતા. પોલીસે આ તમામ યુવકોની પૂછપરછ કરી હતી. પોલીસે ત્રણેય મિત્રોની બે કલાક સુધી પૂછપરછ કરી હતી. ચારેય લોકો સામે 188 જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. 304ની કલમ ઉમેરવા માટેનો રિપોર્ટ કોર્ટમાં કરાયો છે. પોલીસે ત્રણેયને અલગ અલગ બેસાડીને તેમના નિવેદન નોંધ્યાં હતા.
આ પણ વાંચો : બારડોલી હિટ એન્ડ રનની ઘટનામાં ભાજપ અગ્રણીના પુત્ર સામે નોંધાઇ ફરિયાદ
હાજર થયેલા 3 મિત્રોમાંથી એક મિત્રને પગમાં ઇજા
અકસ્માત સર્જાયો હતો, ત્યારે શૈલેશ શાહની કારમાં ચાર યુવકો સવાર હતા. જેમાં એક હતો તેમનો દીકરો પર્વ શાહ, પર્વની સાથે રિષભ શાહ, દિવ્ય શાહ અને પાર્થ શાહ પણ સવાર હતા. જેમાંથી રિષભ શાહ અને દિવ્ય શાહ બે ભાઈઓ છે. ચારેય યુવકો અકસ્માત બાદ ત્યાંથી ગભરાઈને ભાગી ગયા હતા. એક મિત્રને ત્યાંના લોકોએ માર માર્યો હતો. જોકે હાજર થયેલા 3 મિત્રોમાંથી એક મિત્રને પગમાં ઇજા થઇ છે.
કલમ 304 હેઠળ ગુનો દાખલ થવો જોઈએ
આરોપી પર્વને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના ઉપર 304 ની કલમ હેઠળ ગુનો દાખલ થવો જોઈએ તેવું નોંધ્યું હતું. મહત્વનું છે કે, 304 ની કલમ હેઠળ 10 વર્ષની સજા થઈ શકે છે. 304 ની કલમ હત્યાની શ્રેણીમાં ન આવનારી ગેરઈરાદાથી કરવામાં આવેલો ગુનો બને છે. આ કેસમાં 10 વર્ષની સજાથી લઇ આર્થિક દંડની સજા થઈ શકે છે. કોર્ટે બુધવારે પર્વને એક દિવસના રિમાન્ડ માટે મોકલી આપ્યો હતો. જોકે પોલીસે તેના 3 દિવસના રિમાન્ડ માગ્યા હતા.