સોલાના નિર્માણ કોમ્પલેક્ષમા રહેતો દિશાંત શાહ શહેરમાં ગાડીઓનું વેચાણ કરે છે અને પોતાના બે શો રૂમ ધરાવે છે. થોડા સમય પહેલા ધંધા માટે રૂપિયાની જરૂર હોવાથી તેમના ફલેટમાં રહેતા ધર્મેશ ભાઈ ઉર્ફે ફુલચંદ પ્રજાપતિ પાસેથી 1 કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા. તેની સામે ફરિયાદીએ 5 કરોડ રૂપિયા ચુકવ્યાં છે. તેમ છતા આરોપી વધુ 2 કરોડ માંગતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો અને આખરે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના સોલા પોલીસ મથક ખાતે વધુ એક વ્યાજખોરીની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દિશાંત અને તેના પરિવારે કરેલા આક્ષેપો ઉપર નજર કરીએ તો આરોપી ઘર્મેશ પ્રજાપતિ વર્ષોથી વ્યાજ ખોરીનોં ધંધો કરે છે અને જો કોઈ તેના રૂપિયા ન આપે તો ગોળી મારવાની ધમકી પણ આપે છે. આરોપી ધર્મેશનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે, તે ખુલ્લે આમ કહેતો ફરે છે કે, તેણે 1 કરોડની સામે 7 કરોડ વસુલ્યા છે અને પોલીસ પણ તેનુ કઈ નથી બગાડી શકતી પરંતુ હવે જ્યારે દિશાંત શાહે હિમ્મત કરી પોલીસ ફરિયાદ નોધાવી છે ત્યારે પોલીસને પણ આશા છે કે, અન્ય ફરિયાદી સામે આવશે. જો કે, પોલીસે ગુનો નોંધ્યાની સાથે જ આરોપીની શોધખોળ હાથ ધરી છે.