અમદાવાદ: દુધેશ્વર સ્માશાનગૃહ પાસે આવેલ રિવરફ્રન્ટ પર કાલભૈરવદાદાના મંદિરમાં અજાણ્યા શખ્સે ધમાલ કરી હતી. જેમાં શખ્સે મંદિરમાં કપડા કાઢીને પોતાના વાળ સળગાવી ભગવાનની મૂર્તિઓમાં તોડફોડ કરીને નાસી ગયો હતો. તેમજ લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય કર્યુ હતુ. ત્યારે આસપાસના સ્થાનિકોના ધ્યાને આવતા પોલીસને જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.
મૂર્તિઓની તોડફોડ: દુધેશ્વર સ્મશાનગૃહ પાસે રિવરફ્રન્ટ પર પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે મેસેજ મળ્યો હતો કે રિવરફ્રન્ટ પાસે ખુલ્લા મેદાનમાં આવેલ કાળભૈરવદાદાના મંદિરમાં અજાણ્યા શખ્સે તોડફોડ કરી છે. જેથી પોલીસ ઘટનાસ્થળે પહોચીને તપાસ કરતા 30થી 35 વર્ષના શખ્સે મંદિરમાં ઘૂસીને કપડા કાઢીને હવન કુંડમાંથી અગ્નિ લઇને પોતાના વાળ સળગાવીને જુદા-જુદા ભગવાનની મૂર્તિઓમાં તોડફોડ કરી હતી. મંદિરમાં રહેલ દીવડાઓમાં પણ તોડફોડ કરી હતી. હનુમાનની મૂર્તિને નુકશાન પહોંચાડીને તેમની ગદા તોડી કઢાઈ હતી.
CCTVમાં કેદ થયો શખ્સ: પોલીસે ઘટનાસ્થળે પહોચીને સીસીટીવી ચેક કરતા એક શખ્સ દેખાયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે મંદિર પરિસરમાં એક વ્યક્તિ આવે છે અને મૂર્તિઓને નુકશાન પહોંચાડે છે. CCTV ફૂટેજ ચેક કરતા એ સામે આવ્યું કે આ ઘટના 8 ઓગસ્ટના રોજ રાતના 08:50 થી રાતના 09:50 વચ્ચે બની હતી. જેને લઇને રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.

ગુનો દાખલ: આ અંગે રીવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ વી.ડી ઝાલાએ ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ મામલે ગુનો દાખલ કરાયો છે. સીસીટીવીમાં દેખાતા યુવકને પકડવા અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી છે. આરોપી ઝડપાયા બાદ આ કૃત્ય કરવા પાછળનું કારણ સામે આવશે.