અમદાવાદઃ બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવે ગુજરાતીઓને 'ઠગ' ગણાવતું નિવેદન આપ્યું હતું. આ નિવેદન મામલે તેજસ્વી યાદવની મુશ્કેલીઓમાં વધારો થયો છે. તેજસ્વી વિરૂદ્ધ અમદાવાદ મેટ્રો કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે તેજસ્વી યાદવને હાજર થવા સમન્સ પાઠવ્યું છે. તેજસ્વીએ 22 સપ્ટેમ્બરના રોજ મેટ્રો કોર્ટમાં હાજર થવું પડશે.
15 સાક્ષીની જુબાની લેવાઈઃ તેજસ્વી યાદવના કેસમાં અત્યાર સુધીમાં કુલ 15 સાક્ષીઓની જુબાની લેવાઈ છે. આજની સુનાવણી તેજસ્વી યાદવને સમન્સ પાઠવવું કે નહિ તે માટે થઈ હતી. કોર્ટે સુનાવણી બાદ તેજસ્વી યાદવ હાજર રહે તે માટે સમન્સ પાઠવવાનો નિર્ણય કર્યો છે. કોર્ટની ખાસ કોમેન્ટ કરીને જણાવ્યું કે તેજસ્વી યાદવના નામ સાથે 'નાયબ મુખ્યપ્રધાન' શબ્દ છે તેને દૂર કરો અને હવે તેજસ્વીને 'આરોપી'થી સંબોધન કરવું. આરોપી સામે તપાસ માટેના પૂરતા કારણો છે અને એને ધ્યાનમાં રાખીને કોર્ટે સમન્સ ઇસ્યૂ કર્યું છે.
અરજદારના વકીલે સમન્સ પાઠવવા માંગઃ અગાઉની સુનાવણીમાં અરજદારના વકીલ દ્વારા કોર્ટ ઇન્કવાયરી ક્લોઝિંગની પ્રોસિજર રજૂ કરવામાં આવી હતી. 8 ઓગસ્ટે હાથ ધરાયેલી સુનાવણીમાં સીઆરપીસીના નિયમ 202 મુજબ, ઇન્કવાયરી પૂર્ણ થતાં અરજદારના વકીલે આરોપી તેજસ્વી યાદવ સામે નિયમ 204 અંતર્ગત સમન્સ કાઢવા માગ કરી હતી. ગુજરાતમાં 364 જ્ઞાતિના લોકો રહે છે. કોઈ એક વ્યક્તિને કંઈ કહ્યું હોય તો ઠીક, આ સમગ્ર ગુજરાતના લોકોનું અપમાન છે. આરોપી એક રાજ્યના નાયબ મુખ્યપ્રધાન છે. તેમનું નિવેદન સમાજના લોકોને અસર કરે છે.
1 મેએ મેટ્રો કોર્ટમાં આ મુદ્દે ફરિયાદીનું નિવેદન લેવામાં આવ્યું હતું. ફરિયાદીએ કોર્ટમાં જણાવ્યું હતું કે તેજસ્વી યાદવના નિવેદનથી એક ગુજરાતી તરીકે તેમને દુઃખ થયું છે. આ ગુજરાતીઓની બદનક્ષી છે. ફરિયાદીએ કોર્ટમાં તેજસ્વી યાદવના વીડિયોની સીડી અને પેનડ્રાઈવના પૂરાવા, જરૂરી સર્ટિફિકેટ સાથે જમા કરાવ્યા હતા...પ્રફુલ પટેલ (ફરિયાદના વકીલ)
કોણ છે ફરિયાદી?: અમદાવાદના નરોડામાં રહેતા હરેશભાઈ મહેતાએ બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ વિરુદ્ધ ગુજરાતીઓને 'ઠગ' કહેવા બદલ અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. IPC સેક્શન 499 અને 500 અંતર્ગત બદનક્ષીની ફરિયાદ મેટ્રો કોર્ટમાં દાખલ થઈ છે. ફરિયાદી ઓલ ઇન્ડિયા એન્ટીકરપ્શન એન્ડ ક્રાઈમ પ્રિવેન્શન કાઉન્સિલ સંસ્થાના ઉપપ્રમુખ છે.