અમદાવાદઃ સુ્પ્રીમ કોર્ટના જસ્ટીસ મુકેશ શાહ અમદાવાદ ખાતે યોજાયેલી બે દિવસીય ટેક્સ કોન્કલેવ 2020માં હાજરી આપતા જણાવ્યું હતું કે, માણસે જીવનમાં દરેક વસ્તુઓ પ્રતિબ્દ્ધતાથી કરવી જોઈએ. આ સાથે જ અમદાવાદ શહેરની સમસ્યા વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં પીરાણા ડમ્પ સાઈટના કેસ પર તેમની નજર છે અને આગામી બે વર્ષમાં પીરાણા ડમ્પ સાઈટને જમીન સંતુલિત કરી દેવામાં આવશે.
ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જજ એમ.આર. શાહે તેમણે આપેલા મહત્વના ચુકાદા વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અગાઉ કેટલાક અમદાવાદીઓ દિવસે સિગ્નલ પર ઉભા નહોતા રહેતા અને ચુકાદા બાદ જ્યારે તે અમદાવાદ આવ્યા ત્યારે રાતના 11 વાગ્યે પણ લોકો ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહે છે. નોંધનીય છે કે, વર્ષ 2018માં જસ્ટીસ એમ.આર શાહે રોડ-રસ્તા, રખડતા ઢોરને લઈને મહત્વના આદેશ કર્યા હતા. ત્યારબાદ રોડ-રસ્તાને લઈને તંત્ર હરકતમાં આવ્યું હતું અને ટ્રાફિક-પાર્કિગ ડ્રાઈવ શરૂ કરી હતી. પીરાણા ડમ્પ સાઈટ વિશે વાત કરતા શાહે વધુમાં ઉમેર્યું હતું કે, દેશમાં ઈન્દોર સિવાય ડમ્પ સાઈટને નાબુદ કરવા વાળુ અમદાવાદ બીજુ શહેર બનશે.
અંદાજિત 192થી 195 કરોડના ખર્ચે કચરાનો ડુંગર દૂર થશે તેવી આશા વ્યક્ત કરી હતી. ટેક્સ વિશે વાતચીત કરતા તેમણે કહ્યું કે, ટેક્સ પ્લાનિંગ અને ટેક્સ ચોરી વચ્ચે ખુબ જ ઓછી ભેદરેખા છે. ટેક્સ પ્લાનિંગ કાયદાકીય રીતે થવું જોઈએ, કરાણ કે તે અર્થતંત્ર સાથે સંકળાયેલું છે. કરચોરી એ ક્રિમિનલ ગુનો છે અને ગુનાહિત માનસિકતા ધરાવતા લોકોને ટેક્સ પ્લાનિંગની મદદ આપવી જોઈએ નહીં.
ટેક્સ ચોરીના મુદ્દાઓ પર વાતચીત કરતા શાહે જણાવ્યું કે, ટેક્સના ઉંચા દર, ઈન્કમ ટેક્સ રિર્ટન ભરવામાં મૂશકેલી, ખોટા બિલને લીધે સૌથી વધું ટેક્સ ચોરીના કેસ બને છે. ટૂંક સમયમાં વિવાદ સે વિશ્વાસ સ્કિમ લાગુ કરાશે. જેમાં લોકોને ટેક્સ પ્લાનિંગના નિયમથી ન્યાય આપવામાં આવશે. દરેક નાગરીકોએ ઈમાનદારીથી ટેક્સ ભરી સાચા નાગરીક તરીકે ઓળખ ઉભી કરવી જોઈએ.