અમદાવાદ: એલિસબ્રિજની શાળામાં એકમ કસોટીના નામે બાળકો શાળાએ બોલાવવાના મામલે નવો વળાંક આવ્યો છે. આ સમગ્ર બાબતે NSUI નું કાવતરું હોવાનો આક્ષેપ સ્કૂલબોર્ડના ચેરમેને કર્યો છે. એલિસબ્રિજ શાળાના પ્રિન્સિપાલ સામે સસ્પેન્સન પાછું ખેંચાયું છે. તેમજ અન્ય ચાર શિક્ષકોને ફરજ પર હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે. સ્કૂલબોર્ડના ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, બોર્ડ તરફથી આચાર્ય અને શિક્ષકોને સ્પષ્ટ સૂચના હતી કે, બાળકોને બોલાવવાના નથી તો શિક્ષકો બાળકોને શા માટે શાળાએ બોલાવે. અને દરેક વર્ગના 200થી 300 બાળકની જગ્યાએ માત્ર 10 કે 15 બાળકો જ હતા. એનો મતલબ એ છે કે, મીડિયામાં વીડિયો વાઇરલ કરનારા NSUIના આગેવાનો બાળકોને લઈને શાળાએ આવ્યા હશે. તેમજ આ મામલે સ્કૂલબોર્ડને બદનામ કરવા ષડ્યંત્ર રચાયું છે. શિક્ષકો અને આચાર્યના જવાબની સંતુષ્ટિ બાદ કાર્યવાહી રદ કરાઇ છે.
તો બીજી તરફ NSUI ના મહાપ્રધાન ભાવિક સોલંકીએ સ્કૂલના CCTV તપાસવા માગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, શાળાએ બાળકોને બોલાવવા આચાર્ય અને શિક્ષકોને સૂચના આપનારા સ્કૂલ બોર્ડના અધિકારીઓ આ મુદ્દે જવાબદાર છે. તેમને બચાવવા માટે અને તેમના નામ જાહેર ન થાય માટે આ સસ્પેનશન રદ કરવામાં આવ્યું છે. તે સમયે મીડિયા સમક્ષ શિક્ષકોએ સ્પષ્ટ કહ્યું હતું કે, બાળકોને એકમ કસોટી માટે બોલાવ્યા છે.
મહત્વનું છે કે, હાલ તો એલિસબ્રિજની શાળામાં બાળકોને બોલાવવામાં જે વિવાદ સર્જાયો હતો. તે મામલે હવે રાજકારણ ગરમાયુ છે. સ્કૂલ બોર્ડ અને કોંગ્રેસની યુવા પાંખ NSUI સામસામે આવી ગયા છે. અને એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ મામલો આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તો નવાઈ નહિ.