16 જાન્યુઆરીએ શહેરના બાપુનગર વિસ્તારમાં ડાયમંડ માર્કેટ પાસે ફાયરિંગ બાદ 6 લાખ 71 હજાર રૂપિયાના ડાયમંડની લૂંટ થઇ હતી. ઘટના બન્યા બાદ સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતનો સ્ટાફ આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી હતી. જેમાં પોલીસને સફળતા મળતા બે આરોપીઓ ઝડપાયા હતા.
મળતી માહિતી પ્રમાણે, આરોપીઓએ ઝડપથી પૈસા કમાવવા માંગતા હતા. જેથી બન્ને આરોપીઓએ લૂંટનો પ્લાન ઘડ્યો અને લૂંટ કરવા માટે આંગડિયા પેઢીને ટાર્ગેટ કરવાનું નક્કી કર્યુ હતું. લૂંટનો પ્લાન ઘડ્યા બાદ આરોપીઓ 16મી જાન્યુઆરીએ એક્ટિવા લઇને બાપુનગર ડાયમન્ડ માર્કેટ પાસેના ઓવરબ્રીજ પાસે પહોંચી ગયાં અને બસની રાહ જોઇ રહ્યા હતા. પી.શૈલેષ આંગડિયા પેઢીના કર્મચારી યોગેશભાઇ રાવલને હથિયાર બતાવી બેગ આપી દેવા માટે ધમકી આપી હતી. યોગેશભાઇએ પ્રતિકાર કરતાં જ આરોપીઓએ બે રાઉન્ડ ફાયરિંગ કરીને લૂંટ કરી એક્ટિવા પર પલાયન થઇ ગયા હતા.
સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે આસપાસના CCTV ફુટેજના આધારે તપાસ શરૂ કરી હતી.બાદમાં પોલીસને આરોપી અંગેની બાતમી મળતાં બન્ને આરોપીઓની પાલડી વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. સાથે જ લૂટેલા ડાયમંડ સહિત એક્ટિવા, સિંગલ એક્શન પિસ્ટલ, 9 એમ.એમ.પિસ્તલ,11 કારતૂસ પોલીસે જપ્ત કર્યા છે.
આરોપી છત્રપાલસિંહએ લૂંટ કરવા માટે તેના મિત્ર અજય પ્રકાશ સિંગ રાજપૂતના સંપર્કથી ઉત્તરપ્રદેશના ઝાંસીથી રૂપિયા 1 લાખ 20 હજારમાં આ હથિયાર ખરીદ્યા હતા. જ્યારે લૂંટ કરવા માટે તેઓ 15મી જાન્યુઆરીએ અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી એક હોટલમાં રોકાયા હતાં. લૂંટ કર્યા બાદ ડાયમંડના પેકેડ ટ્રાવેલર્સ મારફતે સુરતમાં રહેતા તેના મિત્ર રવિ ડાંગરને ત્યાં મોકલી આપ્યા હતાં.
આરોપી છત્રપાલસિંહએ ફિલ્મો જોઇને લૂંટનો પ્લાન ઘડ્યો હતો. પોલીસ તપાસમાંએ પણ બહાર આવ્યું છે કે, આરોપીએ હથિયાર ખરીદ્યા બાદ આ હથિયાર બરાબર કામ કરે છે કે, કેમ તે જાણવા માટે તેણે તેના ઘરની પાસે જ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હાલમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.