અમદાવાદઃ રાજ્ય સરકારે પાંજરાપોળમાં રહેલા પશુ દીઠ રૂપિયા 25ના અનુદાનની જાહેરાત કરી છે. તે અંતર્ગત અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે આવેલા માંડલ મહાજન પાંજરાપોળને પંદર દિવસ માટે રૂપિયા 8 લાખની સહાય આપવામાં આવી છે.
ચાલુ મહિનાના બાકી પંદર દિવસ માટે અલગથી રૂપિયા 8 લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આમ એક મહિનાના ગાળા માટે માંડલ પાંજરાપોળ સંસ્થાને રૂપિયા 6 લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, માંડલ પાંજરાપોળ સંસ્થામાં 470 નાના પશુ અને 1652 મોટા પશુ મળી કુલ 2122 પશુઓ આશ્રય મેળવી રહ્યા છે.
માંડલ પાંજરાપોળ સંસ્થામાં દરરોજ પશુઓને ૮ કિલોગ્રામ ઘાસચારો આપવામાં આવે છે. વર્તમાનમાં સંસ્થા પાસે 4.75 લાખ કિલોગ્રામ ઘાસચારો ઉપલબ્ધ છે.
કોરોનાના સંક્રમણ વચ્ચે અબોલ પશુઓનું ધ્યાન રાખતા માંડલ પાંજરાપોળ સંસ્થાના પશુઓનું વેક્સિનેશન પણ કરવામાં આવ્યું છે. તદુપરાંત, પશુઓને ગરમીમાં તકલીફ ન પડે તે માટે છાંયડાની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. પાણીની પણ પુરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેથી પશુઓને ઉનાળાની ગરમી દરમિયાન તકલીફ ન પડે.
નોંધનીય છે કે, આ પાંજરાપોળને જીવદયાપ્રેમી જૈન લોકો દાન આપે જ છે. પરંતુ આ કપરા કાળમાં સરકારે પણ મદદ કરી પોતાની ફરજ નિભાવી છે.