પંચમહાલઃ SRP ગ્રુપ 5ની 82 પોલીસ જવાનોની એક ટુકડી ગત 19 તારીખના રોજ 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં VVIP બન્દોબસ્ત માટે પહોંચી હતી. 24મીના રોજ કાર્યક્રમ પૂર્ણ થતા મોડી રાત્રે ફરજ બજાવી તમામ જવાનો ત્રણ જેટલા પોલીસ વાનમાં અમદાવાદથી ગોધરા પરત ફરી રહ્યાં હતા. જે દરમિયાન ગોધરાથી માત્ર દસ કિલોમીટરના અંતરે આવેલ ટીમ્બા પાટિયા પાસે પોલીસ વાનનું અચાનક ટાયર ફાટતા ચાલકે કાબુ ગુમાવ્યો હતો. જે બાદ પોલીસ વાન ડિવાઈડર સાથે ભટકાઈ હતી અને વાને પલટી મારી હતી. જો કે, પાછળ અન્ય બે વાનમાં સવાર 50થી વધુ પોલીસ જવાનો દોડી આવ્યા હતા અને બહાદુરી સાથે બચાવ કામગીરી શરૂ કરી હતી.
આ તરફ ઘટનાની જાણ જિલ્લા પોલીસ અધિક્ષક સહીત જિલ્લા કલેક્ટરને થતા પોલીસ કાફલા સાથે મદદ માટે હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ તરફ જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા પણ પોલીસ જવાનોને સારવાર માટે વધારાની મેડિકલ ટીમ હોસ્પિલ ખાતે બોલાવવામાં આવી હતી અને ઇજાગ્રત પોલીસ જવાનોને ઇમર્જન્સી સારવાર આપવામાં આવી હતી.