અમદાવાદ : સોખડા હરિધામ મંદિરના સત્તા અને ગાદીના વિવાદનો મામલો પૂર્ણ થવાનું નામ જ નથી લઈ રહ્યો. સોખડા હરિધામ વિવાદનો મામલો ફરી એક વાર સામે આવ્યો છે. આ વિવાદને પગલે હાઇકોર્ટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. પ્રબોધસ્વામી જૂથના સંતો અને અનુયાયીઓને હાલ પૂરતા તેમના નિવાસસ્થાનેથી દૂર નહીં કરવાનો હાઇકોર્ટે વચગાળાનો હુકમ કર્યો છે.
હાઇકોર્ટેનો આદેશ છેલ્લા ઘણા સમયથી સોખડા હરિધામ સત્તા અને ગાદrના વિવાદનો મામલો હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે પ્રબોધ સ્વામી જૂથ અને પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથનું વચ્ચે જે ઘર્ષણ ચાલી રહ્યું છે. તેને પગલે હાઇકોર્ટે આજે એક મહત્વનો હુકમ કર્યો છે. હાઇકોર્ટ એ યોગી ડિવાઇન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને ચેરિટી કમિશનરને હુકમ કર્યો છે. હાઇકોર્ટે આદેશ આપતા જણાવ્યું હતું કે પ્રબોધ સ્વામી જૂથના સંતો સાધવીઓ અને અનુયાયીઓને હાલ પૂરતા ટ્રસ્ટની મિલકતમાંથી દૂર કરવા નહીં. 10 માર્ચ સુધી પ્રબોધસ્વામી જૂથના સંતો કે મહંતોને પરેશાન કરવા નહીં એવુ પણ હાઇકોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.
પ્રબોધસ્વામી જૂથના સંતોને રાહત ટ્રસ્ટની જે બે પ્રોપટીઓ છે તેમાં નિર્ણયનગર અને બાકરોલમાં હાલ પૂરતા પ્રબોધસ્વામી જૂથના સંતો અને અનુયાયીઓ નિવાસ કરી રહ્યા છે. આ મામલાને લઈને પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથના અનુયાયીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો પરંતુ હાઇકોર્ટે હવે પ્રબોધસ્વામી જૂથના સંતોને વચગાળાનો હુકમ કરતા તેમને મહદઅંશે રાહત મળી છે.
વચગાળાના હુકમમાં શું કહ્યું મહત્વનું છે કે હજુ બે દિવસ પહેલા જ હાઇકોર્ટે ચેરિટી કમિશનર દ્વારા જે હુકમ કરવામાં આવ્યો હતો તે હુકમને રદ કર્યો હતો અને હાઇકોર્ટે પોતાના હુકમમાં નોંધ્યું હતું કે ચેરિટી કમિશનર પાસે પબ્લિક ટ્રસ્ટ એક્ટની કલમ 41 (એ) હેઠળ માત્ર ટ્રસ્ટના સંચાલન બાબતની અરજીઓ જ સાંભળવાનો અધિકાર ચેરિટી કમિશનર પાસે છે.આ સાથે જ પ્રબોધ સ્વામી જૂથના સાધુ-સંતોના મિલકત પરના દાવા અંગેની અરજી ચલાવવાની સત્તા ચેરીટી કમિશનરને પાસે નથી એવું હાઇકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ અવલોકન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો Vadodara Sokhda Controversy: વડોદરા હરિધામ સોખડાનો ગાદી વિવાદ પહોંચ્યો હાઈકોર્ટ
સોખડા હરિધામમાં વિવાદનું કારણ વડોદરા ખાતે આવેલું હરિધામ સોખડાએ હરિપ્રસાદ સ્વામીના નિધન બાદથી સંપત્તિની વહેંચણીને લઇને વિવાદમાં છે. હરિધામ સોખડાની આશરે 10000 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ છે અને ગુરુ ગાદીનો પણ વિવાદ છે. જેમની વચ્ચે વિવાદ છે તે પ્રેમસ્વરૂપ સ્વામી જૂથ અને પ્રબોધસ્વામી જૂથ વચ્ચે છે. જેમાં પ્રબોધ સ્વામી જૂથ દ્વારા હરિધામમાં સંતોના પાસપોર્ટ, ફોન, કેમેરા અને સામાન જપ્ત કરી લેવાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.સાથે જ અહીં કેટલાક સંતો અને હરિભક્તોને પણ ગોંધી રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો. જે મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી અને ત્યારબાદ હાઇકોર્ટ દ્વારા વચગાળાનો આદેશ કરવામાં આવ્યો હતો.
સમાધાન માટેની બેઠકો નિષ્ફળ રહી હતી પ્રબોધસ્વામી જૂથ સાધુઓને આણંદ પાસે આવેલા બાકરોલના આશ્રમમાં જ્યારે સાધ્વીઓને અમદાવાદના નિર્ણયનગર સ્થિત આશ્રમમાં રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે વિવાદી મુદ્દાઓ ઉકેલવા માટે ત્યારબાદ બંને પક્ષોને સમાધાનકારી વલણ અપનાવવા માટે કહેવામાં આવ્યું હતું. જેને લઈને હાઇકોર્ટના મીડીયેશન સેન્ટરમાં પ્રેમસ્વરૂપ સ્વામી (HC saints Compromise meeting) અને પ્રબોધ સ્વામી જૂથ વચ્ચે સમાધાન માટે 4 વખત બેઠક મળી હતી. આ બેઠકમાં બોમ્બે હાઇ કોર્ટના રીટાયર્ડ જસ્ટિસની ઉપસ્થિતિમાં બંને જૂથની સમાધાન માટે બેઠક મળી હતી. જોકે તમામ બેઠક નિષ્ફળ સાબિત થઇ હતી અને આ સમગ્ર રીપોર્ટ પણ હાઇકોર્ટમાં રજૂ કરાયો હતો.
વધુ સુનાવણી 9 માર્ચે સોખડા હરિધામના વિવાદને લઈને જ્યારે હાઇકોર્ટે અત્યારે વચગાળાનો આદેશ કર્યો છે. સ્વામીનારાયણ સંપ્રદાયની મહત્ત્વની સંસ્થાના વિવાદના આ મામલામાં હવે વધુ સુનાવણી 9 માર્ચના રોજ હાથ ધરાશે. આ સુનાવણીમાં પ્રબોધસ્વામી જૂથના સંતો અને અનુયાયીઓના નિવાસસ્થાન અંગે નિર્ણય આવે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.