અમદાવાદ : રાજ્યસભાની ચૂંટણીની નવી તારીખ 19 જૂન જેવી જાહેર થઈ કે તુરંત ગાંધીનગરમાં ફરીથી રાજકારણ ગરમાયું. અગાઉ જ્યારે ચૂંટણીની તારીખ 26 માર્ચ હતી, ત્યારે તે પહેલા કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા અને નવી તારીખ જાહેર થઈ ત્યારબાદ બીજા ત્રણ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા. આમ, કોંગ્રેસના 8 ધારાસભ્યો ખડી પડતા રાજ્યસભાની ચૂંટણીનું ચિત્ર બદલાઈ ગયું છે. ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત નિશ્રિત થઈ ચુકી છે, પણ સવાલ એ છે કે કોંગ્રેસના બે સીનીયર નેતાઓમાંથી કોંગ્રેસના ધારાસભ્યો કયા નેતાને પસંદ કરે છે, તે 19 જૂનના પરિણામના દિવસે ખબર પડશે. પણ એક વાત નક્કી છે કે શક્તિસિંહ ગોહિલ પ્રથમ ક્રમે ફોર્મ ભરનાર હતા, જેથી તેઓ બેલેટ પેપરમાં પ્રથમ નામ ધરાવતા હશે અને મત મેળવવામાં પ્રથમ હશે. પણ આ તો ચૂંટણી છે કંઈ કહેવાય નહી. કોંગ્રેસના ધારાસભ્યોને મોવડીમંડળમાંથી વ્હીપ અપાય તેવું પણ બને અને ન અપાય તો ધારાસભ્યો નક્કી કરશે કે રાજ્યસભામાં કોણ વધુ સારુ પર્ફોમન્સ આપી શકે છે? અથવા તો કોની લોકપ્રિયતા વધારે છે? રાજ્યસભામાં કોંગ્રેસના બે ઉમેદવારોમાંથી કોણ જીતશે, તે અંગે પ્રદેશ કોંગ્રેસના સભ્યોએ પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કર્યો હતો. જો કે આ અગાઉ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમીત ચાવડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કોંગ્રેસ બન્ને બેઠકો જીતશે, અમે તેના પરની રણનિતી તૈયાર કરી છે.
શક્તિસિંહ ગોહિલ
શક્તિસિંહ હરીશચંદ્રસિંહજી ગોહિલ તેઓ જૂના કોંગ્રેસી નેતા છે. હાલ તેઓ બિહારના પક્ષ પ્રભારી છે અને તાજેતરમાં તેમને દિલ્હીનો ચાર્જ સોંપાયો છે. તેઓ ઑલ ઈન્ડિયા કોંગ્રેસના નેશનલ પ્રવકતા છે. શક્તિસિંહ 1991થી 1995 દરમિયાન સતત બે રાજ્ય સરકારમાં નાણાં, આરોગ્ય, શિક્ષણ અન નર્મદાપ્રધાન બની ચુક્યા છે. 2007થી 2012 સુધી તેઓ ગુજરાત વિધાનસભામાં વિરોધી પક્ષના નેતા હતા. શક્તિસિંહ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની બિલકુલ નજીકના અને વિશ્વાસુ નેતા છે, જેથી કેન્દ્રીય લેવલે શક્તિસિંહ ગોહિલ રાજ્યસભામાં જાય તેવું ઈચ્છી રહ્યા છે. તેની સાથે ભરતસિંહ પણ રાહુલ ગાંધીની વિશ્વાસુ નેતા તરીકેની છાપ ધરાવે છે.
ભરતસિંહ માધવસિંહ સોલંકીએ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના સુપુત્ર છે. જેથી ભરતસિંહ ખૂબ જૂના કોંગ્રેસી નેતા છે. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચુક્યા છે. ભરતસિંહ 2014 સુધી વડાપ્રધાન મનમોહન સિંહની સરકારમાં ડ્રિન્કીંગ વોટર અને સ્વચ્છતાના રાજ્યકક્ષાના(સ્વતંત્ર હવાલો)ના રાજ્યપ્રધાન હતા, તેની અગાઉ તેઓ પાવર રાજ્યકક્ષાના પ્રધાન હતા. તેની અગાઉ 2004થી 2006 દરમિયાન તેઓ ઑલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવી ચુક્યા છે. 2004 અને 2009માં બે વખત ચૂંટણી જીત્યા હતા, 2014માં ભાજપના દિલીપભાઈ પટેલ સામે તેઓ આણંદ બેઠક પર હારી ગયા હતા.
- ભરત પંચાલ, બ્યૂરો ચીફ, અમદાવાદનો વિશેષ અહેવાલ