શૈલેષ પરમારે જુબાનીમાં વધુમાં જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં 4 મત પત્રક સામે પ્રશ્ન ઉઠાવાયા હતા. જેમાં ભાજપ અને કોંગ્રેસના પ્રતિનિધીઓએ મતપત્રક સામે શંકા દર્શાવી હતી. રાઘવજી પટેલ અને ભોળાભાઈએ મતપત્રક જાહેરમાં બતાવવાની કોશિશ કરેલી તે સામે મેં ચૂંટણી એજન્ટ તરીકે,અર્જુન ભાઈ પોલીગ એજન્ટ તરીકે અને શક્તિસિંહે ઓથોરાઈઝડ એજન્ટ તરીકે પ્રશ્નો કર્યા હતા. ભાજપનો વાંધો મારા મત સામે હતો. જો કે આ માત્ર મતદાન ચાલું હતું ત્યાર સુધીનું હતું. મતદાન કર્યું ત્યારે કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. ચારે વાંધાજનક મત પત્રક જે તે વખત મતપેટીમાં નખાઈ ગયા હતા એ વાત સાચી. મતપત્રક મતપેટીમાં નાખ્યા પછી લેખિત અરજી આપી હતી. જેમાં પરિસાઈડિંગ ઓફિસરે રિસીવ કરીને સમય ટાંકયો ન હતો. પરંતુ ઓફિસરે કહ્યું હતું કે, વિડીયોગ્રાફી જોયા પછી નિર્ણય લેવામાં આવશે.
અડાલજ અને કંથારીયાની જમીનની માલિકી વિશે જુબાની આપતા શૈલેષ પરમારે કહ્યું કે, મિલ્કતમાં જે શંસાક મનહર ભાઈ પરમાર લખ્યું છે એ મારું જ નામ છે. શાળામાં મારા પિતાશ્રીએ મારું નામ શશાંક રાખ્યું હતું. બીજું લાડકું નામ શૈલેષ હતું. મારા પિતાના અવસાન પછી ગેજેટમાં નામ ફેર કરીને શશાંકની જગ્યાએ શૈલેષ કર્યું હતું.
પિતાના નામમાં પણ મનહરભાઈ અને મનુભાઈ એમ 2 નામ ચાલે છે. જીવનકાળમાં કોઈ ક્રિમિનલ કેસ ન હોવાની શૈલેષ પરમારે કોર્ટમાં જુબાની આપી હતી. જો કે 2017ની વિધાનસભાની ચુંટણીના એફિડેવિટમાં એક કેસ ચાલું હોવાનું યાદ નથી તેવી દલીલ પરમાર તરફે કરવામાં આવી હતી. કોર્ટે અન્ય સાક્ષીઓ કે જેમની જુબાની બાકી છે એ અંગે પુછતા અહેમદ પટેલના વકીલ પંકજ ચાંપાનેરીએ કહ્યું કે, આમ તો મોટાભાગની સાક્ષીઓની જુબાની પૂર્ણ થઈ છે. પરતું દિલ્લીથી સૂચના મળે તે પ્રમાણે આગામી દિવસોમાં અમે કોર્ટ સમક્ષ જાણ કરીશું. આ મામલે વધુ સુનાવણી શુક્રવારે હાથ ધરવામાં આવશે.