અમદાવાદ : અમદાવાદ મેજિસ્ટ્રેટ મેટ્રોપોલિટન કોર્ટે કિરણ પટેલના જામીન અરજી ફગાવતા હવે તેને સેશન્સ કોર્ટમાં નિયમિત જામીન માટે અરજી દાખલ કરી છે. કિરણ પટેલે જુદા જુદા ત્રણ કેસમાં જામીન માટે અરજી દાખલ કરી છે. જેમાં આવતીકાલે સુનાવણી હાથ ધરાશે, ત્યારે કિરણ પટેલને સેશન્સ કોર્ટમાંથી રાહત મળશે કે નહીં તે જાણવું રસપ્રદ બની રહેશે, પરંતુ મહત્વનું છે કે, આ ત્રણેય જુદા જુદા કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલ સામે મેટ્રો કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
ક્યાં છે ત્રણ કેસ : અમદાવાદના એક બિલ્ડર સાથે નારોલની 80 લાખની જમીન વેચવાનો સોદો કર્યો હતો. જે મુદ્દે કિરણ પટેલે 25 લાખનું બાનાખત કરીને રૂપિયા મેળવી લઈને દસ્તાવેજ કર્યો ન હતો. જે ઘટનાના 07 વર્ષ બાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરવામાં આવી હતી. (2) કિરણ પટેલ દ્વારા એક સાંસદના ભાઈ જગદીશ ચાવડાનો બંગલો રિનોવેશનના નામે પચાવી પાડવાના કેસ ચાલી રહ્યો છે અને (3) અમદાવાદની હયાત હોટેલમાં G20ની પ્રમોશનલ ઇવેન્ટ યોજીને 3.51 લાખના ઠગાઇના કેસ સહિત આ અલગ અલગ ત્રણેય કેસ ચાલી રહ્યા છે.
ત્રણ કેસમાં જામીન અરજી : મહત્વનું છે કે, કિરણ પટેલ સામે અમદાવાદ મેટ્રો કોર્ટમાં જે ત્રણ કેસ ચાલી રહ્યા છે. તેમાં ક્રાઈમ બ્રાન્ચે ચાર્જશીટ ફાઇલ કરી હતી. ત્રણ અલગ અલગ કેસમાં કિરણ પટેલ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તો બીજી તરફ કિરણ પટેલ દ્વારા મેટ્રો કોર્ટમાં આ ત્રણેય કેસમાં જામીન અરજી પણ દાખલ કરવામાં આવી હતી.
બચાવ પક્ષે બચાવવાની કરી કોશિશ : મેટ્રો કોર્ટમાં કિરણ પટેલની રેગ્યુલર જામીન અરજીની સુનાવણીમાં ક્રાઇમ બ્રાન્ચ વતી સરકારી વકીલે જામીન ન આપવા કોર્ટમાં રજૂઆત કરી હતી. તેમને જણાવ્યું હતું કે, આરોપી કિરણ પટેલ જામીન પર છુટવા વધુ ગુના કરે તેવી શક્યતાઓ છે. તો બીજી તરફ બચવા પક્ષના વકીલ નિસાર વૈધે ક્રાઇમ બ્રાન્ચે તપાસ ખોટી કરી હોવાની રજૂઆત કરી હતી. ચાર્જશીટમાં યોગ્ય કોઈ પુરાવા ન હોવાના લીધે જામીન આપવા કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી.