ઉલ્લેખનીય છે કે, આ કેસમાં દલીલો પૂર્ણ થયા બાદ જજની બદલી થઇ ગઇ હતી. જોકે હાઇકોર્ટે તે બદલી પર રોક લગાવી હતી અને કેસ પૂર્ણ થયા બાદ બદલી કરવાનો આદેશ જાહેર કર્યો હતો. આ લઠ્ઠાકાંડ 9 થી 11 જૂન, 2009 દરમિયાન ઓઢવ, કાગડાપીઠ અને બાપુનગરમાં સર્જાયો હતો. જેમાં ઝેરી દારૂ પીવાને કારણે 150થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 200 જેટલા લોકોને ઝેરી દારૂની અસર થઇ હતી. જેની અસરને કારણે કેટલાક લોકોએ આંખો પણ ગુમાવી હતી.
આ મામલે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચે જયેશ ઠક્કર તેમજ વિનોદ ડગરી સહિત ઝેરી દારૂ વેંચનાર 33 લોકોને ઝડપી લઇને તેમની સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ એક ગંભીર પ્રકારનો કેસ હોવાથી આ મામલે સરકારે એચ.એમ. ધ્રુવ, અમીત પટેલ અને સુધીર બ્રહ્મભટ્ટની ખાસ સરકારી વકીલ તરીકે નિંમણૂક કરી હતી. જેમાં સરકારી વકીલોએ 650 સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જેમાં કોર્ટને જણાવ્યું હતું કે, આ આરોપીઓ સામે ગંભીર પ્રકારનો કેસ છે, જે પુરવાર થાય છે. જેમાં 123 લોકોના મોત નિપજ્યાં હતા, ત્યારે આવા કેસમાં સમાજના વિશાળ હિતને ધ્યાનમાં લઇને આરોપીઓને સખ્તમાં સખ્ત સજા થવી જોઇએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, કાગડાપીઠ લઠ્ઠાકાંડ કેસમાં કોર્ટે માર્ચ મહિનામાં ચુકાદો આપ્યો હતો. જેમાં 10 આરોપીઓને સજા ફટકારવામાં આવી હતી, જ્યારે 14 આરોપીઓને શંકાનો લાભ આપીને છોડી મૂકવામાં આવ્યા હતા.
આ મામલામાં આરોપીના નામ નીચે મુજબ છે
- 1. વિનોદ ડગરી - 10 વર્ષની સજા, 50 હજાર દંડ
- 2. જયેશ ઠક્કર - 10 વર્ષની સજા, 50 હજાર દંડ
- 3. અરવિંદ તળપદા - 10 વર્ષની સજા, 50 હજાર દંડ
- 4. નંદાબેન જાની - 3.5 વર્ષની સજા અને 2500 દંડ
- 5. મીનાબેન રાજપૂત - 3.5 વર્ષની સજા અને 2500 દંડ
- 6. જસીબેન ચુનારા - 3.5 વર્ષની સજા અને 2500 દંડ