અમદાવાદઃ શહેરમાં નવા વર્ષની શરૂઆતથી જ ગુનાખોરીનો આંકડો વધી રહ્યો છે. ત્યારે હવે અમદાવાદમાં જાહેરમાં હત્યા થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વસ્ત્રાપુર લેકની અંદર એક અજાણ્યો શખ્સ સિક્યોરિટી ગાર્ડની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. જોકે, આસપાસના લોકો સિક્યોરિટી ગાર્ડને બચાવવાની જગ્યાએ ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારે પોલીસે હત્યારાને શોધવા કામગીરી શરૂ કરી છે. તો ફેબ્રુઆરી મહિનામાં આટલા જ દિવસોમાં અમદાવાદ શહેરમાં ગોમતીપુર, કાલુપુર અને વસ્ત્રાપુરમાં 1-1 થઈને કુલ 3 હત્યા થઈ ચૂકી છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી હતી.
આ પણ વાંચો Ahmedabad Crime : ભરબજારે તલવાર છરીના ઘા મારીને યુવકની કરાઈ હત્યા, CCTVમાં ઘટના થઈ કેદ
આરોપીએ કર્યો જીવલેણ હુમલોઃ અમદાવાદના પોશ વિસ્તાર વસ્ત્રાપુરમાં વસ્ત્રાપુર તળાવ આવેલું છે. તેની અંદર જ રાત્રે હત્યાની ઘટના સામે આવી હતી. તળાવની અંદર એડવેન્ચર પાર્કની પાછળ બોટિંગની જૂની ટિકિટ બારી પાસે ખાટલામાં 30 વર્ષીય સિક્યોરિટી ગાર્ડ લાલાભાઈ સંગાડા સુતા હતા. તે દરમિયાન અચાનક અજાણ્યો શખ્સ આવ્યો ને તેણે તેમની પર જીવલેણ હુમલો કરી હત્યા કરી નાખી હતી. જોકે, આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
પોલીસે ટીમને કામે લગાડીઃ આ મામલે અશ્વિન વાંજા નામના યુવકે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાની જાણ થતા વસ્ત્રાપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ મામલે પૂરાવા એકત્ર કરી એફએસએલની મદદ લીધા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ હત્યારાને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી છે.
પોલીસે કવાયત તેજ કરીઃ મહત્વનું છે કે, લોકોની અવરજવર વચ્ચે હત્યા કરી દેવામાં આવી હોવાનું સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું. ત્યારે લોકોએ તેને બચાવવાના બદલે ત્યાંથી ભાગી ગયા હોવાનું જોવા મળ્યું હતું. હાલ તો આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી અજાણ્યા આરોપીની ધરપકડ કરવા માટેની કવાયત તેજ કરી છે.
આ પણ વાંચો Rajkot Murder Crime: મકાનનું ભાડું ન દેતા છરી મારી, અઠવાડિયામાં હત્યાનો 3જો કેસ
પોલીસનું નિવેદનઃ આ અંગે એ ડિવિઝનના ACP જી. એસ. શ્યાને જણાવ્યું હતું કે, મોડી રાત્રે આ ગુનાને અંજામ આપવામાં આવ્યો છે અને કયા કારણોસર હત્યા કરવામાં આવી હથિયારો કોણ છે. તે તમામ બાબતો આરોપીના પકડાયા બાદ જ સામે આવશે. જોકે, હાલ તો સિક્યોરિટી ગાર્ડની હત્યા સંદર્ભે પોલીસે અલગ અલગ રીતે આરોપીને પકડવાની તજવીજ તેજ કરી છે.