અમદાવાદ : સ્કોલિયોસિસ એક પ્રકારે કરોડરજ્જુની બાજુમાં વળાંકને કારણે થતી તકલીફ છે. જે બાળકને દુખાવા અને શરીરમાં ઘણી અગવડતા તરફ દોરી શકે છે. જેમ કે, શ્વાસ લેવામાં તકલીફ, પીઠનો દુખાવો, અને જો વળાંકની સારવાર ન કરવામાં આવે તો ચેતા અથવા કરોડરજ્જુને નુકસાન થઈ શકે છે. કમનસીબે સ્કોલિયોસિસમાં શરૂઆતની કરોડરજ્જુની વક્રતા સમય જતાં વધુ રૌદ્રરૂપ ધારણ કરી શકે છે.
સ્કોલિયોસિસ આ રીતે ઓળખી શકાય છે : સ્કોલિયોસિસના લક્ષણોમાં કમર વળી જવી અને ખૂંધ દેખાવાથી બાળકોને શારીરિક તકલીફની સાથે આત્મવિશ્વાસ પર પણ ઊંડી અસર થાય છે. આવી જટિલ બીમારીથી પીડાતા 8 બાળકોની તકલીફ યુએસએથી અમદાવાદ આવેલા નિષ્ણાત સ્પાઇન સર્જન્સએ ઓપરેશન કરીને દૂર કરી છે. આ બાળકો હવે દુખાવા અને શારિરિક તકલીફો વગર સરળતાથી જીવન જીવી શકશે.
આ પણ વાંચો નાની વયે હૃદયની અસામાન્ય બીમારી, ડોક્ટરોએ આપ્યું નવજીવન
નિઃશુલ્ક તપાસ અને સર્જરી કેમ્પ : જીસીએસ હોસ્પિટલમાં સ્કોલિયોસિસની તકલીફવાળા બાળકો માટે તા.23 થી 25 જાન્યુઆરી દરમ્યાન નિઃશુલ્ક તપાસ અને સર્જરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પમાં તપાસ થયેલ 8 બાળકોને સર્જરીની જરૂર જણાઈ હતી. સિનસિનાટી હૉસ્પિટલ મેડિકલ સેન્ટર, યુએસએથી આવેલા ડોકટરોના સહયોગથી સ્કોલિયોસિસના સુધારા માટેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
સર્જરીમાં 5-10 કલાક સુધીનો સમય લાગે : સિનસિનાટી સેન્ટર યુએસએથી આવેલી ડોકટરોની ટીમે સ્કોલિયોસિસ કરેકશન સર્જરી કરવા માટે જીસીએસ હૉસ્પિટલમાં એક સપ્તાહ (2 થી 9 ફેબ્રુઆરી) સુધી સેવા આપી હતી. આ પ્રકારના ઓપરેશનથી કરોડરજ્જુના વળાંકમાં સુધારો થાય છે અને વધુ નુકશાન થતુ અટકે છે. આ જટિલ ઓપરેશનમાં દર્દીની સ્થિતિ અને કરોડરજ્જુના વળાંકના આધારે લગભગ 5-10 કલાક સુધીનો સમય લાગે છે.
આ પણ વાંચો અમદાવાદમાં યોજાઈ કેન્સર નિષ્ણાતોની કોન્ફરન્સ, સર્જરી અને નવા પડકારોની ચર્ચા થઇ
બાળકોની સારવારમાં દિવસરાત એક કરી દીધા : આ બાળકોના જીવનને એક નવી સવાર આપવાવાળી સર્જરીનો ભાગ એવા અમેરિકાથી આવેલી ટીમમાં સ્પાઈન સર્જન્સ-ડો. વીરલ જૈન, ડો.પીટર સ્ટર્મ, ડો.ડેનિયલ બેચમેન, ડો. માર્કસ શેલ્બી, અને ડો. અલી અસ્મા, એનેસ્થેશિઓલોજીસ્ટ- ડો. વિદ્યા ચિદમ્બરમ અને ડો.કીમબ્યુટેલ, ઈમ્પ્લાન્ટ સ્પેશ્યાલિસ્ટ ટીમ રોઈટર અને ન્યુરોમોનિટરીંગ એક્સપર્ટસ મેગન કલોક છે. તેઓએ જીસીએસ હોસ્પિટલના ડો. જ્યોતિષ પટેલ અને ટીમ સાથે મળી એક પણ રૂપિયો ચાર્જ કર્યા વગર બાળકોની સારવારમાં દિવસરાત એક કરી દીધા હતા.
તમામ દર્દીઓને પોસાય તેવો ખર્ચ : જીસીએસ હોસ્પિટલના ઓર્થોપિડિક ડિપાર્ટમેન્ટના હેડ, ડો. જ્યોતિષ પટેલે જણાવ્યું કે, “જીસીએસ હોસ્પિટલ તમામ દર્દીઓને પોસાય તેવા ખર્ચે ઉચ્ચતર મેડિકલ સારવાર પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. સ્કોલિયોસિસ કરેકશન સર્જરી કેમ્પ એ અમારી કટિબદ્ધતાનુ એક ઉદાહરણ છે. સિનસિનાટી ચિલ્ડ્રન મેડિકલ સેન્ટરે અમને પૂરા પાડેલા સહયોગ બદલ અમે તેમના આભારી છીએ."
6 વર્ષમાં જીસીએસ હોસ્પિટલમાં આ ચોથો કેમ્પ : આ પ્રકારની સર્જરીમાં સામાન્ય રીતે પાંચ લાખ રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે. પરંતુ જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થવા માટે જીસીએસ હોસ્પિટલમાં આ સર્જરી મામૂલી ખર્ચે કરવામાં આવી છેં. છેલ્લા 6 વર્ષમાં જીસીએસ હોસ્પિટલમાં આ ચોથો કેમ્પ છે. સિનસિનાટી ચિલ્ડ્રન મેડિકલ સેન્ટરે અત્યાર સુધીમાં સ્કોલિયોસિસનો ભોગ બનેલાં 40થી વધારે બાળકોને સર્જરીનો લાભ આપ્યો છે.