અમદાવાદ : પશ્ચિમ અમદાવાદમાં સ્થિત સાયન્સ સિટી એક લોકપ્રિય પ્રવાસન સ્થળ બન્યું છે. એક અંદાજ પ્રમાણે 20 લાખ જેટલા પ્રવાસીઓએ સાયન્સ સિટીની મુલાકાત લીધી છે. ત્યારે મંગળવારે 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના ઉપલક્ષમાં મોટો કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. અમદાવાદ સાયન્સ સિટી ખાતે ૨૮ ફેબ્રુઆરીથી ૪ માર્ચ સુધી 'સાયન્સ કાર્નિવલ -૨૦૨૩'નું આયોજન કરવામાં આવ્યું છે.
લોકપ્રિય પ્રવાસન સ્થળ બન્યું સાયન્સ સિટી : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 જૂલાઈ 20121ના રોજ ગુજરાત સાયન્સ સિટી 2.0નું ઉદ્ઘાટન કર્યા બાદ બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને સામાન્ય નાગરિકોએ સાયન્સ સિટીની મુલાકાત લીધી છે. 16જુલાઇ 20121 થી 26 ફેબ્રુઆરી 2023 સુધીમાં અંદાજિત 19,98,600 મુલાકાતીઓ સાયન્સ સિટીની મુલાકાત લઈ ચૂક્યા છે. આમ, વિજ્ઞાન વિશ્વમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે ગુજરાતના અમદાવાદમાં સ્થિત સાયન્સ સિટી એક લોકપ્રિય પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે.
50 સૌથી શ્રેષ્ઠ સ્થાનોમા સાયન્સ સિટી : સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર જે.બી.વદરના જણાવ્યા મુજબ, વર્ષ અનુસાર આંકડાઓની વાત કરીયે તો વર્ષ 2021માં 4,43,329 મુલાકાતીઓ, વર્ષ 2022માં 12,38,484 અને 1 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2023 સુધીમાં 3,16,787 મુલાકાતીઓ, આમ કુલ 19,98,600 મુલાકાતીઓએ સાયન્સ સિટીની મુલાકાત લીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જગવિખ્યાત ટાઈમ મેગેઝિન અનુસાર, વર્ષ 2022ના 50 સૌથી શ્રેષ્ઠ સ્થાનોમા સાયન્સ સિટીએ સ્થાન મેળવ્યું છે.
શા માટે 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે : ભારત સતત વિકાસશીલ દેશ રહ્યો છે. વર્તમાન સમયમાં ભારત દેશ વિકાસની જે હરણફાળ ભરી રહ્યો તેમાં વિજ્ઞાનનો મહત્તમ ફાળો રહ્યો છે. વિજ્ઞાન આપણા રોજિંદા જીવનનો એક મહત્વનો ભાગ છે. આપણા હાથમાં રહેલા અવનવા ગેજેટ્સથી લઈને અવકાશ વિજ્ઞાન સુધીની સતત વિકસતી ટેક્નૉલોજીએ વિજ્ઞાનની અને માનવ જીવનના સતત પ્રયત્નોની સમગ્ર માનવ સમુદાયને મળેલી ભેટ છે. ફેબ્રુઆરી મહિનાની 28મી તારીખ સમગ્ર દેશવાસીઓ માટે ખાસ કરીને વિજ્ઞાન જગતમાં મહત્વની ગણાય છે. 28મી ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ ડૉ. ચંદ્રશેખર વેંકટરામને (સર સી.વી. રામન) ‘રામન ઈફેકટ’ની શોધ પૂરી કરી હતી. તેમની યાદમાં જ આ દિન ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ તરીકે ઊજવાય છે. આ મહામૂલી શોધ બદલ 1930માં તેમને નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પ્રોત્સાહનનો દિવસ : વિજ્ઞાનના વિકાસ માટે નવી ટેકનોલોજીનો અમલ કરવો, દેશમાં વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા નાગરિકોને મહત્તમ તક મળે, લોકોને મહદ અંશે વિજ્ઞાન તરફ આકર્ષાય તે માટે પ્રોત્સાહન આપવા તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજીને લોકપ્રિય બનાવવા માટે દર વર્ષે ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ ઉજવવામાં આવે છે. ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ એ ભારતમાં વિજ્ઞાનને લગતા ઉજવાતા તહેવારો પૈકીનો મુખ્ય તહેવાર છે.
અમદાવાદના સાયન્સ સિટી ખાતે 'સાયન્સ કાર્નિવલ 2023' : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનૉલોજી (GUJCOST) અને ગુજરાત સાયન્સ સિટી દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાનની ઉજવણીના ભાગ રૂપે સંયુક્ત રીતે અમદાવાદના સાયન્સ સિટી ખાતે 'સાયન્સ કાર્નિવલ 2023 'નું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયન્સ કાર્નિવલ વિશે વાત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજીના એડવાઇઝર એન્ડ મેમ્બર સેક્રેટરી ડો. નરોત્તમ શાહુએ કહ્યું કે, સાયન્સ સિટી અમદાવાદ ખાતે 28 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી 'સાયન્સ કાર્નિવલ આયોજન કરવામાં આવ્યું છે. આ સાયન્સ કાર્નિવલમાં દરરોજ અંદાજિત 20,000 સ્ટુડન્ટ્સ ભાગ લઇ શકે તેવી વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો Vacation 2022 : સાયન્સ સિટીની મુલાકાત પહેલાં આ વાતનું ખાસ ધ્યાન રાખજો
કયા કયા કાર્યક્રમો આયોજિત થયાં : દરરોજ સવારે 10 વાગ્યાથી 8 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમો જેમ કે, સાયન્સ મેજિક શો, સાયન્સ શો, સાયન્સ ગેમ્સ, સાયન્સ ડિસ્કશન્સ, સાયન્ટિફિક એક્ઝિબિશન, સાયન્સ બુક ફેર, લાઇટ એન્ડ સાઉન્ડ શો તેમજ 3-ડી રંગોલી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથોસાથ ચાર અન્ય રિજિનલ સાયન્સ સેન્ટર જેમ કે પાટણ, ભાવનગર, ભૂજ, રાજકોટમાં અલગ અલગ રીતે સ્થાનિક સ્તરો પર કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ ઉપરાંત જિલ્લા સ્તરે 33 લોક વિજ્ઞાન કેન્દ્રો પર પણ વિવિધ કાર્યક્રમો યોજાશે.
વધુ ચાર રિજિયોનલ સાયન્સ સેન્ટર બનશે : ડો. નરોત્તમ શાહુએ કહ્યું કે, ગુજરાતમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને ઇનોવેશનના પ્રચાર-પ્રસાર માટે ખૂબ સારા પ્રમાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સાયન્સ સિટીમાં નેશનલ -ઇન્ટરનેશનલ કક્ષાના સાયન્સ પાર્ક બનાવવાની સાથે ચાર રિજિયોનલ સાયન્સ સેન્ટરનું કામ પૂરું થઇ ગયું છે. આ વર્ષે અમે વધુ ચાર રિજિયોનલ સાયન્સ સેન્ટર બનાવવા જઇ રહ્યા છીએ. જેમાં સુરત, બરોડા, જામનગર અને જૂનાગઢનો સમાવેશ થાય છે. આ સાથે દરેક જિલ્લામાં જિલ્લા સ્તરનું સાયન્સ સેન્ટર તૈયાર કરવાની રાજ્ય સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી છે, જેનું કામ પણ શરૂ થઇ ગયું છે. આમ, આવનારા દિવસોમાં સાયન્સ ક્ષેત્રમાં એક લહેર ગુજરાતમાં જોવા મળશે જેના કારણે યંગ જનરેશન સાયન્સ ક્ષેત્રમાં પોતાની કરિયર બનાવી શકશે.
એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર : એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સાયન્સ સીટી ખાતેની એક્વેટિક ગેલેરી અત્યાધુનિક સિસ્ટમથી સજ્જ છે, જે ભારતનું સૌથી મોટું એક્વેરિયમ છે. અહીં આવતા મુલાકાતીઓને સમુદ્રી દુનિયાના યાદગાર અનુભવ માટે આ એક્વેરિયમ તૈયાર કરવામાં આવ્યું છે. આ એક્વેરિયમમાં અલગ- અલગ 68 ટેન્કમાં શાર્ક સહિતની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે અને આ માટે 28 મીટરની અંડરવોટર વોક વે ટનલ પણ તૈયાર કરવામાં આવી છે. આ એક્વેટિક ગેલેરીનું મહત્વનું પાસુ એ છે કે અહીં 188 પ્રજાતિની 11,600 થી વધુ માછલીઓ એક છત નીચે જોઈ શકાય છે. અહીં ગેલેરીમાં ઈન્ડિયન ઝોન, એશિયન ઝોન, આફ્રિકન ઝોન, અમેરિકન ઝોન, ઓસિયન્સ ઓફ ધ વર્લ્ડ સહિતના ૧૦ અલગ-અલગ ઝોનની જળચર સૃષ્ટિ દર્શાવવામાં આવી છે. દરિયાઈ દુનિયાના રોમાંચક અનુભવ માટે 5-ડી થિયેટર પણ છે.
અત્યાધુનિક રોબોટિક ગેલેરી : આ ઉપરાંત સાયન્સ સીટી ખાતે 11,000 સ્કેવર મીટર વિસ્તારમાં અત્યાધુનિક રોબોટિક ગેલેરીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 79 પ્રકારના 200થી વધુ રોબોટ છે. અહીં પ્રવેશદ્વાર પર અચંબિત કરી દેનાર ટ્રાન્સફોર્મર રોબોટની પ્રતિકૃતિનું પણ નિદર્શન કરાયું છે. આ ગેલેરીમાં ખાસ રીતે તૈયાર કરાયેલા હ્યુમનોઈડ રોબોટ આનંદ, આશ્ચર્ય અને ઉત્સાહ જેવી અનેક ભાવનાઓ વ્યક્ત કરે છે અને મુલાકાતીઓ સાથે વાતચીત કરે છે. ગેલેરીના અલગ-અલગ માળ પર વિવિધ ક્ષેત્રના રોબોટ્સ મેડિસિન, એગ્રીકલ્ચર, સ્પેસ, ડિફેન્સ સહિતના ક્ષેત્રે તેની ઉપયોગીતાનું પ્રદર્શન કરે છે. અહીંના રોબોકાફેમાં રોબો શેફ દ્વારા બનાવાયેલું ભોજન રોબો વેઈટર્સ દ્વારા પીરસવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, 16 રોબોગાઈડ અહીં આવતા મુલાકાતીઓને ગાઈડ પણ કરે છે.
સાયન્સ સીટીનું ત્રીજું આકર્ષણ છે નેચર પાર્ક : 20 એકરમાં પથરાયેલ આ નેચર પાર્કમાં 380થી વધુ સ્પીસિસ જોવા મળે છે. અહીં મિસ્ટ બામ્બૂ ટનલ, ઓક્સિજનપાર્ક, ચેસ અને યોગ સ્પેસ, ઓપન જીમ, અને બાળકો માટે ખાસ પ્લે એરિયા તૈયાર કરાયો છે. અહીં જોગિંગ ટ્રેક, વોકિંગ ટ્રેક અને બાળકો માટે રસપ્રદ ભૂલભૂલામણી છે. વૈજ્ઞાનિક માહિતી સાથે વિવિધ સ્કલ્પ્ચર પણ છે. જેમ કે મેમથ, ટેરર બર્ડ, સેબર ટૂથ લાયન, ગ્રાઉંડેડ સ્લોથ બેર, ઉધઈના રાફડા અને મધપુડાની રચના અંગેની વૈજ્ઞાનિક સમજ આપવામાં આવે છે. આ મુલાકાતને યાદગાર બનાવવા માટે સેલ્ફી કોર્નર પણ છે.
કેમ્પસમાં કેશલેસ વ્યવહારો કરવામાં આવે છે : ડિજિટલ સાક્ષરતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી સાયન્સ સિટીમાં ઓનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. મુલાકાતીઓ વેબસાઈટ અથવા મોબાઈલ એપ પર અગાઉથી તેમની ટિકિટ બુક કરાવી શકે છે. સાયન્સ સિટીના પ્રવેશદ્વાર પરના ટિકિટ કાઉન્ટર પર PoS મશીનો દ્વારા ટિકિટ આપવામાં આવે છે. આમ, સમગ્ર કેમ્પસમાં કેશલેસ વ્યવહારો કરવામાં આવે છે.