અમદાવાદ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત તથા ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચ યોજાવાની છે, જેને લઇને કરોડો ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફાઇનલ મેચ પર આખી દુનિયાની નજર છે. ત્યારે દેશ અને વિદેશમાંથી ફાઇનલ મેચના મહા મુકાબલાના પ્રત્યક્ષ સાક્ષી બનવા 100થી વધુ વિવિઆઇપીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે.
અભિનેતા મનોજ જોશી અમદાવાદમાં: આજે ગુજરાતી અને હિન્દી ફિલ્મોના અભિનેતા મનોજ જોશી મેચ જોવા માટે ખૂબ ઉત્સાહિત જોવા મળ્યા હતા. અભિનેતા મનોજ જોશી એરપોર્ટ પર પહોંચતા જ મીડિયા સમક્ષ ફાઇનલ મેચને લઈને ભારત જીતે તેવી આશા વ્યક્ત કરી હતી. તેમને કહ્યું હતું કે, અમદાવાદ ક્રિકેટ પ્રેમીઓથી ભરેલું છે, અને આજે સ્ટેડિયમમાં ખુબ જ સારો માહોલ હશે. ફાઇનલ મેચ જોવા માટે અતિ ઉત્સાહિત એવા અભિનેતા મનોજ જોશી એ આજના દિવસને રોમાંચ થી ભરેલો ગણાવ્યો હતો.
સચિન તેંડુલકર અમદાવાદ પહોંચ્યા: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં આજે ફાઇનલ મેચનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. ગઈ કાલથી દેશ-વિદેશના સેલિબ્રિટીઝ અને રાજકીય નેતાઓ અમદાવાદ પહોંચી ગયા છે, તેમજ એરપોર્ટ પર રાજકીય તેમજ સ્પોર્ટ તેમજ ફિલ્મી સેલિબ્રિટીઝ પહોંચી રહ્યા છે. ત્યારે ક્રિકેટના ભગવાન ગણાતા ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર પણ મેચ જોવા અમદાવાદ આવી પહોંચ્યા હતાં. જ્યારે સચીનની એક ઝલક જોવા માટે લોકો અધિરા બન્યા હતાં. જોકે, સચિન તેંડુલકર એરપોર્ટ પર પહોંચતાની સાથે જ તેમણે સુરક્ષા સાથે લઈ જવામાં આવ્યા હતા.
ભાજપના નેતા તેજસ્વી સૂર્યા અમદાવાદમાં: અમદાવાદના એરપોર્ટ પર આજે પણ સેલિબ્રિટીઝ આવી રહ્યા છે, ત્યારે બીજેપી યુવા મોરચાના નેશનલ પ્રેસિડેન્ટ તેજસ સૂર્યા પણ આજે અમદાવાદ પહોંચ્યા છે. ભારત - ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચ જોવા આવેલા તેજસ સૂર્ય એ મીડિયાને જણાવ્યું હતું કે આજે ફાઇનલ મેચ ભારત જ જીતશે અને આજે ભારત તેની જીત સતત જાળવી રાખશે, ભારતની જીતની આશા સાથે તેમને કહ્યું હતું કે, આજે ભારત માટે આ ફાઇનલ મેચ એક ઉત્સવ સમાન છે. અને ભારતની જીત સાથે સમગ્ર દેશમાં યુવા મોરચા દ્વારા કાર્યક્રમો કરવામાં આવશે.આજે બીજેપી યુવા મોરચાના મોટાભાગના કાર્યકર્તાઓ ટીમ ઈન્ડિયાને ચિયર કરવા સ્ટેડિયમમાં પહોંચી ગયા છે, જ્યારે બીજેપી યુવા મોરચાના નેશનલ પ્રેસિડેન્ટ તેજસ સૂર્ય એ આ ક્ષણે ટીમ ઈન્ડિયાને જીત માટે શુભેચ્છા ઓ પાઠવી હતી.