- શહેરના અનેક વિસ્તારોમા પાણી ભરાયા
- રસ્તાઓની હાલત બિસ્માર થતા વાહન ચાલકોને ભારે હાલાકી
- મનપાની પ્રિમોનસુનની કામગીરી પર લોકોમા રોષ
અમદાવાદઃ સોમવારે દિવસ દરમિયાન ફક્ત વરસાદી છાંટા પડયા હતા. મોડી સાંજે શહેરભરમાં વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં રાત્રીના સમયે એકા-એક ભારે વરસાદ ખાબક્યો હતો. પૂર્વ અને દક્ષિણ ઝોનમાં 5 ઇંચથી વધુનો વરસાદ એક કલાકમાં પડી ગયો હતો. જેના કારણે ઓઢવ, ચકૂડિયા, વટવા , મણિનગર જેવા આજુ-બાજુના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
ઉલ્લેખનીય છે કે, હાલ પણ આ વરસાદી પાણી ઓસર્યા નથી અને રસ્તાની હાલત બિસ્માર થઇ છે. ખરાબ રસ્તાઓથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. સામાન્ય વરસાદમાં જ શહેરના મોટાભાગના રસ્તાઓ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેને પગલે ટ્રાફિક જામ તેમજ અકસ્માતમાં વધારો થઇ રહ્યો છે. શહેરના ઝુંડાલ સર્કલ પર હજુ પણ પાણી યથાવત જોવા મળી રહ્યા છે.
આવા સંજોગોમાં લોકો કોર્પોરેશન સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. લોકોનું તંત્ર સામે કહેવું છે કે, માસ્ક ના પહેરવા પર દંડ ફટકારવામાં આવે છે. તો રસ્તાઓ તૂટી જવા પર કોર્પોરેશનના અધિકારીઓને કેમ દંડ થતો નથી. દર વર્ષે કોરોડો રૂપિયાના ખર્ચે રોડ બનાવામાં આવે છે તેમ છતાં સામાન્ય વરસાદમાં જ રોડ કેમ તૂટી જાય છે.
શહેરમાં હાલ વરસાદ થંભી ગયા બાદ પણ રોડ-રસ્તા પર પાણી-પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે મનપાની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.