અમદાવાદ: ગુજરાત ભાજપનો ગઢ સમાન છે. ગુજરાત ભાજપનું રોલ મોડેલ(Role model of BJP) કહેવાય છે. ત્યારે ગુજરાતમાં સત્તા ગુમાવવી ભાજપને કોઈ પણ સંજોગોમાં પોષાય એમ નથી. જેથી ભાજપ દ્વારા મોટા ભાગના ધારાસભ્યોને રિપીટ(Repeat to most MLAs) કરવામાં આવ્યા છે. બીજી બાજુ 2024માં લોકસભાની ચૂંટણી(Lok Sabha elections) પણ છે ત્યારે ભાજપ તેેની બેઠકોનું નુકસાન કરાવે તેવું કોઈ પણ જોખમ લેવા માંગતી નથી. આ વખતે ચૂંટણીમાં મતદારો માટે મોંઘવારી અને બેરોજગારી મુખ્ય મુદ્દા રહ્યા છે. અને તેનાથી મતદારોમાં એક પ્રકારનો રોષ જોવા મળ્યો છે. ઉપરાંત ખેડૂતોમાં ભારે રોષ છે.
મધ્ય ગુજરાતમાં ભાજપ પાસે વિધાનસભાની 23 બેઠકો છે. જેમાંથી ભાજપે 16 ચહેરાને રિપીટ કર્યા છે અને 5 બેઠક પર ચહેરા બદલ્યાં છે.
મધ્ય ગુજરાતમાં ભાજપને ઉમેદવાર કેમ રીપીટ કરવા પડ્યા અને કેમ કાપવા પડ્યા ?
શા માટે કરાયાં રિપીટ: રિપીટ મધ્ય ગુજરાતમાં અનેક બેઠકો એવી છે જ્યાં સ્થાનિક કાર્યકરોનો પ્રચંડ વિરોધ હોવા છતાં બેઠકો રિપીટ કરાઈ છે. પીટ કરવા પાછળનું કારણ એ કહેવાય છે કે, વડોદરા શહેરની પાંચ બેઠકો પૈકી બે બેઠકો ઉપર બે મહિલા ઉમેદવારોને ટિકીટ આપવાની છે. બીજુx કે તેઓ કોઇ વિવાદમાં આવ્યા ન હોવાથી તેઓને રિપીટ કરવામાં આવ્યા છે. અન્ય એક કારણ એ પણ છે કે સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકરોએ ટિકીટ ન આપવા માટે પ્રદેશ કક્ષા સુધી રજૂઆતો કરી હતી. પરંતુ, તેઓની વાત દિલ્હી સુધી ન પહોંચતા રિપીટ કરાયા હોવાનું કહેવાય છે.
પૂર્વ સાંસદને ટિકિટ અપાઈ: રાવપુરા વિધાનસભા બેઠક ઉપર મહેસુલ પ્રધાન રહી ચૂકેલા રાજેન્દ્ર ત્રિવેદીની ટિકીટ કાપીને માજી સાંસદ બાલકૃષ્ણ શુક્લને ટિકીટ આપવામાં આવી છે. બાલકૃષ્ણ સાંસદની ચૂંટણી લડ્યા બાદ સાઇલેન્ટ થઇ ગયા હતા. પરિણામે તેઓ કોઇ વિવાદમાં આવ્યા ન હતા. તેઓ ચુસ્ત સંઘના હોવાને કારણે તેઓને ટિકીટ આપવામાં આવી છે. રાજેન્દ્ર ત્રિવેદીની ટિકિટ કાપવા પાછળનું કારણ મહેસુલ પ્રધાન સમયે તેઓ સામે ભ્રષ્ટાચારના આરોપો થયા હતા.
વિવાદ વિના ટિકિટ કપાઈ: અકોટા વિધાન સભા બેઠકના વર્તમાન ધારાસભ્ય સીમાબહેન મોહિલેની ટિકિટ કાપવામાં આવી છે. સીમાબહેન કોઇ વિવાદમાં ન હોવા છતાં તેઓની ટિકીટ કાપવામાં આવતા કાર્યકરો પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા છે. જો કે અકોટા બેઠક ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જુના સબંધોના કારણે જ સીમાબહેન મોહિલેને ટિકિટ આપવામાં આવી હતી. આ વખતે તેમને કાપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વ. મકરંદ દેસાઇ સાથેના સબંધોને ધ્યાનમાં રાખીને તેમના પુત્ર ચૈતન્ય દેસાઇને ટિકિટ આપવામાં આવી હોવાનું મનાય છે.
દબંગ ધારાસભ્યની ટિકિટ કપાઈ:
વડોદરા જિલ્લાની પાંચ બેઠકોની વાત કરવામાં આવે તો વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર મધુ શ્રીવાસ્તવ છેલ્લા 6 ટર્મથી ચૂંટાતા આવ્યા છે. તાલુકાના મતદારોનો તેમની સામે ભારે વિરોધ છે. જેથી તેમની ટિકિટ કાપીને અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવી છે. કહેવાય છે કે ભાજપામાંથી ગત વિધાનસભા ચૂંટણી સમયે સસ્પેન્ડ કરાયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપા સીધેસીધી ટિકિટ આપી શકે તેમ ન હતું. ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયા બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર તરીકે મજબૂત મનાય છે. કહેવાય છે કે, ભાજપાએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાને જીતાડી લાવવા માટે આડકતરી રીતે હાથ મિલાવી તાલુકામાં અપરિચીત એવા અશ્વિન પટેલને ટિકીટ આપી હોવાનું કહેવાય છે.
કેતન ઇનામદારને રિપીટ:
સાવલી વિધાન સભા બેઠક ઉપર કેતન ઇનામદારને રિપીટ કરવામાં આવ્યા છે. આ વખતે સાવલી બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા ભાજપામાંથી કોંગ્રેસમાં આવેલા ક્ષત્રીય સમાજના અગ્રણી કુલદીપસિંહ રાઉલજીને ટિકીટ આપશે તેમ ચોક્કસ મનાય છે. આ ઉમેદવાર સામે ભાજપામાંથી ફાઇટ આપી શકે તેવા એક માત્ર ઉમેદવાર કેતન ઇનામદાર સિવાય બીજો કોઇ ન હોવાથી રિપીટ કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
ડભોઇ બેઠકના ધારાસભ્ય રિપીટ:
ડભોઇ બેઠક ઉપર શૈલેષ મહેતાને રિપીટ કરવામાં આવ્યા છે. ગત ચૂંટણીમાં શૈલેષ મહેતા વડોદરા છોડી ડભોઇ ચૂંટણી લડવા ગયા હતા અને કોંગ્રેસના દીગ્ગજ નેતા સિધ્ધાર્થ પટેલને હરાવ્યા હતા. ઉપરાંત તેઓએ પાંચ વર્ષમાં અનેક વિકાસલક્ષી કામો પણ કર્યા છે. બીજું કે, આ વખતે કોંગ્રેસ દ્વારા ભાજપા છોડી કોંગ્રેસમાં આવેલા ભાજપાના માજી ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલને ટિકિટ નક્કી મનાતી હોવાથી શૈલેષ મહેતાને રિપીટ કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
કોંગ્રેસમાંથી આવેલ ઉમેદવારને રિપીટ:
કરજણ બેઠક ઉપર અક્ષય પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. તેઓને રિપીટ કરવા પાછળનું કારણ એ છે કે અક્ષય પટેલ અઢી વર્ષ પહેલાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપામાં આવ્યા હતા. તે બાદ યોજાયેલી પેટા ચૂંટણીમાં તેઓ ભાજપાની સીટ ઉપરથી ચૂંટાઇને આવ્યા હતા. આથી તેઓને રિપીટ કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
ક્ષત્રિય સામે ક્ષત્રિય ઉમેદવાર:
પાદરા બેઠકમાં પાદરા નગર પાલિકાના પ્રમુખ ચૈતન્યસિંહ ઝાલાને ટિકીટ આપવામાં આવી છે. કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય જસપાલસિંહ ઠાકોર (પઢીયાર) ક્ષત્રીય હોવાથી ભાજપા દ્વારા આ વખતે ક્ષત્રીય ઉમેદવાર તરીકે પાદરા નગર પાલિકાના પ્રમુખ ચૈતન્યસિંહ ઝાલાને ટિકીટ આપવામાં આવી છે. જે નવો ચહેરો છે.
આદિવાસી વોટબેંક:
છોટાઉદેપુર જિલ્લાની 3 બેઠકો પૈકી છોટાઉદેપુર બેઠક ઉપર બે દિવસ પહેલાં કોંગ્રેસ છોડી ભાજપામાં આવેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહનસિંહ રાઠવાની જગ્યાએ તેમના પુત્ર રાજેન્દ્ર રાઠવાને ટિકીટ આપવામાં આવી છે. જ્યારે સંખેડા બેઠક ઉપર અભેસિંહ રાઠવાને રિપીટ કરવામાં આવ્યા છે. જેતપુર પાવી બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરવાનો બાકી છે. આદિવાસી વિસ્તારોમાં ભાજપ સામે રોષ હોવાના કારણે ભાજપ દ્વારા કોંગ્રેસના દિગ્ગજ નેતાના પુત્રને ટિકિટ આપવાની ફરજ પડી છે અને સંખેડા બેઠક રિપીટ કરવાની ફરજ પડી છે.
મોટા ભાગના રિપીટ કરાયા:
પંચમહાલ જિલ્લાની પાંચ બેઠકોમાં કલોલ બેઠકના ધારાસભ્ય સુમનબહેન ચૌહાણની ટિકીટ કાપીને ફતેસિંહ ચૌહાણને ટિકીટ આપવામાં આવી છે. સુમનબહેન ચૌહાણ પ્રભાતસિંહ ચૌહાણના પુત્રવધૂ હોવાના કારણે તેઓની ટિકિટ કાપવામાં આવી હોવાનું કહેવાય છે. ગોધરામાં સી.કે. રાઉલજી, શહેરા બેઠક ઉપર જેઠા ભરવાડ, મોરવા હડફ ઉપર મંત્રી નિમીષાબહેન સુથાર અને હાલોલ બેઠક ઉપર જયદ્રથસિંહ પરમારને રિપીટ કરવામાં આવ્યા છે. આ ધારાસભ્યો સામે વિવાદ ન હોવાના રિપીટ કરવામાં આવ્યા છે.
બિનવિવાદી ધારાસભ્યો રિપીટ:
મહિસાગર જિલ્લામાં લુણાવાડા જીગ્નેશ સેવક, બાલાશિનોર માનસિંહ ચૌહાણ અને સંતરામપુર બેઠક ઉપર મંત્રી કુબેર ડીંડોળને રિપીટ કરવામાં આવ્યા છે. રિપીટ કરવાનું કારણ તેઓ કોઇ વિવાદમાં ન હોવાના કારણે રિપીટ કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. લુણાવાડા વિધાનસભા બેઠકમાં બ્રાહ્મણોના મતો નોંધપાત્ર છે. અને તેઓના કાર્યકાળ દરમિયાન કોઇ વિવાદમાં આવ્યા ન હોવાથી રિપીટ કરવામાં આવ્યા છે. મોરવા હડફ બેઠક ઉપર મંત્રી નિમીશાબહેન સુથારને પણ રિપીટ કરવામાં આવ્યા છે. તેઓ પણ કોઇ વિવાદ ન હોવાના કારણે રિપીટ કરવામાં આવ્યા છે.
ભાજપની 'નો રિસ્ક થિયરી':
દાહોદ જિલ્લામાં ઝાલોદ અને ગરબાડા બેઠક ઉપર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી. પરંતુ, ફતેપુરા બેઠક ઉપર રમેશ કટારા, લીમખેડા બેઠક ઉપર શૈલેષ ભાભોર, દાહોદ બેઠક ઉપર કનૈયાલાલ કિસોરી અને દેવગઢ બારીયા બેઠક ઉપર બચુ ખાબડને રિપીટ કરવામાં આવ્યા છે. રિપીટ કરવાનું પાછળ તેઓ કોઇ વિવાદમાં આવ્યા ન હોવાથી રિપીટ કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. આ વખતે ભાજપા કોઇ જોખમ લેવા માંગતી ન હોવાથી રિપીટ કરવામાં આવ્યા છે.
નવા ચહેરાને તક:
ભરૂચ જિલ્લાની તમામ પાંચ બેઠકોમાં જંબુસર બેઠક ઉપર ડી.કે. સ્વામીને ટિકીટ આપવામાં આવી છે. જે નવો ચહેરો છે. વાગરામાં અરૂણસિંહ રાણા, અંકલેશ્વરમાં પૂર્વ મંત્રી ઇશ્વર પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે ભરૂચમાં કશ્યપ પટેલને કાપીને પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને ટિકીટ આપવામાં આવી છે. જ્યારે ઝઘડીયા બેઠક ઉપર દિપેશ વસાવાને ટિકીટ આપવામાં આવી છે. જે નવો ચહેરો છે. ભરૂચ બેઠક ઉપર કશ્યપ પટેલ સામે કાર્યકરોમાં ભારે રોષ હોવાના કારણે ભાજપા દ્વારા તેઓની ટિકીટ આપવામાં આવી હોવાનું કહેવાય છે.
પૂર્વ સાંસદના દીકરીને ટિકિટ:
નર્મદા જિલ્લાની બે બેઠકોમાં નાંદોદ બેઠક ઉપર ડો. દર્શના વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ડો. દર્શના વસાવા પૂર્વ સાંસદ ચંદુ દેશમુખના દીકરી છે. જ્યારે ડેડીયાપાડાની બેઠક ઉપર ઉમેદવારની જાહેરાત બાકી છે.