અમદાવાદ : મુંબઈ-રિલાયન્સ ઈન્ડ્સ્ટ્રીઝે જંગી રોકાણ મેળવવું એ ભારતીય કોર્પોરેટના ઇતિહાસમાં આ ઘટના અભૂતપૂર્વ છે જેમાં રિલાયન્સે નવા સીમાચિન્હો સ્થાપિત કર્યા છે. આ સિદ્ધિ વધારે નોંધપાત્ર એટલા માટે છે કારણ કે, તે કોવિડ-19 મહામારીના પગલે થયેલા વૈશ્વિક લોકડાઉન દરમિયાન મેળવવામાં આવી છે.
પેટ્રો-રિટેલના જોઇન્ટ વેન્ચરમાં BPને વેચવામાં આવેલો હિસ્સો ગણવામાં આવે તો કુલ ઊભી કરાયેલી મૂડીનું મૂલ્ય રૂપિયા 1.75 લાખ કરોડને પહોંચી જાય છે. 31 માર્ચ, 2020ની સ્થિતિએ અમારું કુલ દેવું રૂપિયા 1,61,035 કરોડ થતું હતું. આ રોકાણ આવતાં હવે રિલાયન્સ સંપૂર્ણપણે દેવામુક્ત બની ગઈ છે.
RILનો રાઇટ્સ ઇશ્યૂ 1.59 ગણો છલકાઈ ગયો હતો અને તે માત્ર ભારતનો જ સૌથી મોટો રાઇટ્સ ઇશ્યૂ નહોતો, પરંતુ છેલ્લા દસ વર્ષમાં કોઈપણ બિન-નાણાકીય સંસ્થા દ્વારા લાવવામાં આવેલો વિશ્વનો સૌથી મોટો રાઇટ્સ ઇશ્યૂ પણ બની રહ્યો હતો.
12 ઓગસ્ટ 2019ના રોજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 42મી AGMમાં અમારા ચેરમેન મુકેશ અંબાણીએ શેરધારકોને 31મી માર્ચ 2021 પહેલા કંપનીને દેવા મુક્ત કરવાનો તેમનો રોડમેપ જણાવતાં ખાતરી આપી હતી અને કહ્યું હતું કે, આગામી 18 મહિનામાં એટલે કે 31 માર્ચ 2021 સુધીમાં સંપૂર્ણપણે ઋણમુક્ત કંપની બનવા માટેનો અમારી પાસે સ્પષ્ટ રોડમેપ છે. અમારા કન્ઝ્યુમર બિઝનેસિસ, જિયો અને રિલાયન્સ રિટેલમાં રોકાણ કરવા માટે વ્યુહાત્મક અને નાણાકીય રોકાણકારોએ ઊંડો રસ દાખવ્યો હતો. આગામી ક્વાર્ટર્સમાં અમે આ બિઝનેસિસમાં વિશ્વના અગ્રણી પાર્ટનર્સનો ઉમેરો કરીશું અને આગામી પાંચ વર્ષમાં આ બંને કંપનીઓનું લિસ્ટિંગ કરવા તરફ આગળ વધીશું.
આ સિદ્ધિ પ્રત્યે પ્રસન્નતા વ્યક્ત કરતાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, આજે આ જાહેરાત કરતાં હું ખુશ અને વિનમ્ર બંને છું કે, નિયત સમય મર્યાદા 31 માર્ચ 2021 કરતાં પહેલા રિલાયન્સને સંપૂર્ણપણે દેવામુક્ત બનાવવા માટે રોકાણકારોને આપેલું વચન અમે નિભાવ્યું છે. અમારા રોકાણકારો અને અન્ય હિસ્સેદારોની અપેક્ષાઓ કરતાં પણ વધુ સારા પરિણામો વારંવાર મેળવવા એ રિલાયન્સમાં ડીએનએમાં છે. હું તેમને ખાતરી આપવા ઇચ્છું છુ કે, રિલાયન્સ તેના સુવર્ણ દાયકામાં વિકાસના વધુ મહત્વકાંક્ષી લક્ષ્યાંકો નક્કી કરશે અને તેમને હાંસલ પણ કરશે, જે ભારતની સમૃદ્ધિ અને વ્યાપક વિકાસમાં આપણા યોગદાનને સતત વધારતાં રહેવાના આપણા સંસ્થાપક ધીરુભાઈ અંબાણીના વિઝન ચરિતાર્થ કરશે.
મુકેશ અંબાણીએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં જિયોમાં ભાગીદારી માટે વૈશ્વિક નાણાકીય રોકાણકારો દ્વારા અભૂતપૂર્વ રસ દાખવવામાં આવ્યો જેનાથી અમે ગદગદિત છીએ. નાણાકીય ભાગીદારો પાસેથી મૂડી એકત્ર કરવાનું સિમાચિન્હ સંપન્ન થતાં અમે દિગ્ગજ નાણાકીય ભાગીદાર સમુહનો નિષ્ઠાપૂર્વક આભાર માનીએ છીએ અને તેમને જિયો પ્લેટફોર્મ્સમાં આવકારીએ છીએ. વિક્રમજનક રાઇટ્સ ઇશ્યૂમાં અભૂતપૂર્વ ભાગ લેવા બદલ હું રિટેલ અને સ્થાનિક તથા વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું.