અમદાવાદઃ અમદાવાદ, પંચમહાલ, વડોદરા સહિતના જિલ્લામાં કોરોના કેર વરતાવી રહ્યો છે. પરંતુ ઘણા જિલ્લા એવા છે કે જેમણે કોરોનાના ફેલાવને અટકાવ્યો છે અને નોંધાયેલા કેસ પૈકી 50 ટકા કરતા પણ વધુ દર્દીઓ સાજા થયાં છે. પાટણ, ભરૂચ, નર્મદા, મોરબી, ગીર સોમનાથ સહિતના જિલ્લા કે જ્યાં કોરોના પોઝીટીવ કેસ આવ્યાં પરંતુ રિકવરી રેટ 50 ટકા કરતાં વધુ છે. મહત્વનું છે કે આ જિલ્લાઓમાં કોરોનાને ફેલાતાં અટકાવી લેવાયો છે અને તેને લીધે રિકવરી રેટ પણ વધુ સામે આવ્યો છે. તેની અમદાવાદ સહિત મહાનગરોમાં દરરોજ મોટી સંખ્યામાં નવા કેસ નોંધાય છે જેથી રિકવરી રેટ વધી શકતું નથી.
નોંધનીય છે કે કોરોના સામે 50 ટકા કરતાં વધુ રિકવરી રેટ ધરાવતાં જિલ્લાઓમાં પાટણ અને નર્મદાને બાદ કરવામાં આવે તો બાકીના મોટાભાગના જિલ્લા સૌરાષ્ટ્રના દરિયાઈ તટવર્તીય જિલ્લાઓ છે. ભાવનગરમાં 40 ટકા કરતા વધુ લોકો કોરોનાને માત આપી સાજા થયાં છે. આજ રીતે ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને કચ્છમાં કોરોનાની નહિવત અસર જોવા મળી છે. પોરબંદર, ગીરસોમનાથ અને મોરબીમાં નોંધાયેલા તમામ દર્દીઓ સાજા થઈ ગયાં હોવાથી કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે આઠ જિલ્લા કે જ્યાં 50 ટકા કરતા વધુ દર્દી સાજા થયાં છે તેમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયાં નથી તેવા દેવભૂમિ દ્વારકા, અમરેલી, જૂનાગઢ, સહિતના જિલ્લાને ગણવામાં આવ્યાં નથી.
01-05-2020ના આંકડા મુજબ 50 ટકા કરતાં વધુ રિકવરી ધરાવતાં 8 જિલ્લા
પાટણ - 66.67 ટકા
ભરૂચ - 64.51 ટકા
નર્મદા - 83.33 ટકા
કચ્છ - 71.42
મોરબી - 100 ટકા
સાબરકાંઠા - 100 ટકા
ગીર સોમનાથ - 100 ટકા
પોરબંદર - 100 ટકા
રાજ્યના 33 પૈકી 3 જિલ્લા - દેવભૂમિ દ્વારકા, અમરેલી અને જૂનાગઢમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયાં નથી. કોરોના મહામારી સામે આ જિલ્લા અપવાદરૂપ સાબિત થયાં છે. એટલા માટે જ આ ત્રણ સહિત કેટલાક અન્ય જિલ્લાને ગ્રીન ઝોનમાં રાખવામાં આવ્યાં છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4721 પહોંચી છે જે પૈકી સૌથી વધુ 3293 અમદાવાદમાં નોંધાયાં છે. રાજ્યમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 3750 છે અને કુલ 236 મૃત્યુ થયાં છે.
(નોંધ - આ તમામ આંકડા રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા 1લી મે ના રોજ સાંજે 7.30 વાગ્યે જાહેર કરવામાં આવ્યાં તે પ્રમાણેના છે. નવા પોઝિટિવ કેસ નોંધાય તો તમામ જિલ્લાઓમાં અને રિકવરી રેટના આંકડામાં ફેરફાર થઈ શકે છે)