અમદાવાદ : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવે રાજ્યમાં આગામી ત્રણ કલાકને લઈને હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે નવા કાસ્ટ જાહેર કરીને આગામી ત્રણ કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. હાલ રાજ્યમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય થવાની સાથે જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દીવ દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરી છે.
વરસાદની આગાહી ભારે : બે દિવસની ધમાકેદાર બેટિંગ બાદ 3 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. ઠંડર એકટીવીટીની અસરથી હાલ સમગ્ર ગુજરાત જળમગ્ન બની ગયું છે, ત્યારે વરસાદ અંગે હવામાન વિભાગે હાલ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત માટે આગામી 24 કલાક ભારે રહેશે તેવું જાણવા મળ્યું છે.
વરસાદી સિસ્ટમ સક્રિય : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે તો આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. 2 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. હાલ વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. હાલ ઓફ શ્યોર અને સાઈસર વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેને કારણે અમદાવાદમાં પણ આજે સામાન્યથી ભારે વરસાદની આગાહી સાથે રાજ્યમાં પવનની ગતિ 30 કિમી આસપાસ રહેશે. જેથી આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
ક્યા વિસ્તારમાં કર્યુ એલર્ટ જાહેર : નવસારી, વલસાડ, ડાંગ, જૂનાગઢ, અમરેલીમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરત, તાપીમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, આણંદ,વડોદરા, નર્મદા,બોટાદ, રાજકોટ, પોરબંદરમાં આજે યલો એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે રેડ એલર્ટના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ઓરેન્જ એલર્ટમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં વરસાદે મેઘ મહેર કરી છે, ત્યારે સમગ્ર રાજ્યમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જેમાં ઘણા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘુસી ગયા છે. તો વરસાદને લીધે હાઈવે પર વાહનોની કતારના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.