રાહુલ ગાંધીના આગમનને લઈને તેમના સ્વાગત માટે અમદાવાદ એરપોર્ટ પર પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ તથા ધારાસભ્યો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહેશે. રાહુલ ગાંધી અગાઉ બદનક્ષીના કેસમાં એક વખત મેટ્રોકોર્ટમાં હાજર રહ્યા હતાં. આજે ફરી એકવાર અમદાવાદની મેટ્રો કોર્ટમાં 3 વાગ્યે હાજર થશે.
ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ વિવાદો ચાલી રહ્યો છે. થોડા દિવસ અગાઉ પ્રદેશ પ્રવક્તા બદરુદ્દીન શેખ નારાજ થયા હતા અને તેમના પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું. અન્ય પ્રવક્તા જયરાજસિંહ પરમાર પણ પોતાની નારાજગી બતાવી હતી, બીજી બાજુ પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા નિષ્ફળ ગયા છે અને તેમના પદ પરથી રાજીનામું આપશે તેવી અફવા પણ ઉડી હતી. આ તમામ વિવાદો અને પેટા ચૂંટણીને લઈને તૈયારીઓનો આજે રાહુલ ગાંધીની હાજરીમાં અંત આવશે.
અમદાવાદ એરપોર્ટથી રાહુલ ગાંધી શાહીબાગ ખાતેના એનેક્ષી ખાતે જશે. જ્યાં વિરામ બાદ ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ધારાસભ્યો સાથે બેઠક યોજશે અને આગામી પેટા ચૂંટણીને લઈને ચર્ચા પણ કરવામાં આવશે. એનેક્ષીથી રેલી સ્વરૂપે રાહુલ ગાંધી 3 વાગે મેટ્રો કોર્ટ જશે. જ્યાં મેટ્રો કોર્ટમાં હાજરી આપ્યા બાદ રાહુલ ગાંધી સીધા દિલ્હી જવા રવાના થશે.