અમદાવાદ: ગુજરાતમાં એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે. થોડા સમય પહેલા નકલી આધાર કાર્ડ કે પછી નકલી વેક્સિનેશન સર્ટિફિકેટના કૌભાંડો બહાર આવ્યા હતા ત્યારે હવે ભાવનગર જિલ્લાના રેશનકાર્ડ કૌભાંડો અંગે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટમાં જન કલ્યાણ જનસેવા મંડળના ગુજરાત પ્રમુખ પુરીબેન પાટડીયા દ્વારા એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં રાજ્યના ભાવનગર જિલ્લામાં રેશનકાર્ડના અંગે એક કૌભાંડ ચાલી રહ્યું છે જેમાં અનેક લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે એવા આક્ષેપ છે.
ડુપ્લીકેટ રેશનકાર્ડ બનાવવાનું કૌભાંડ: એડવોકેટ પ્રશાંત ચાવડાના જણાવ્યા અનુસાર આ કૌભાંડમાં ડુપ્લીકેટ રેશનકાર્ડ બનાવવા એક જ વ્યક્તિના બે રેશનકાર્ડ બનાવવા તેમજ જે વ્યક્તિઓનું અસ્તિત્વ જ નથી હોતું તેવા વ્યક્તિઓને નામે પણ રેશનકાર્ડ બનાવવામાં આવી રહ્યા છે. અમુક રેશનકાર્ડમાં તો કુટુંબના સભ્યો ન હોય તેવા નામોનો પણ રેશનકાર્ડમાં ઉમેરો કરી દેવામાં આવ્યો છે. જરૂર પડે ત્યાં સરકારી બનાવટી દસ્તાવેજોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
'તાજેતરમાં જ ભાવનગર જિલ્લાના અમુક તાલુકામાં સસ્તા અનાજની દુકાનોમાં બોગસ રેશનકાર્ડનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. સામાન્ય રીતે સરકાર દ્વારા પ્રતિ કુટુંબ દીઠ એક જ રેશનકાર્ડ આપવામાં આવે છે પરંતુ ભાવનગર જિલ્લાના અમુક તાલુકાઓમાં એક જ કુટુંબના બે અલગ અલગ રેશનકાર્ડ સામે આવ્યા છે. એક રેશનકાર્ડમાં પાંચ નામ હોય તો બીજા રેશનકાર્ડમાં સાત નામ જોવા મળી રહ્યા છે. અધિકારીઓની મિલીભગતને કારણે સસ્તા અનાજની દુકાનો વાળા કાર્ડ ઇશ્યૂ કરવામાં આવી રહ્યા છે. આવા બનાવેલા રેશનકાર્ડ નું ગેરઉપયોગ કરીને અનાજને ઉચા ભાવે વેચવાનું કૌભાંડ હાલ ભાવનગર જિલ્લામાં સામે આવ્યું છે.' -પ્રશાંત ચાવડા, એડવોકેટ
ભ્રષ્ટાચારનું નેટવર્ક સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યાનો દાવો: આ કૌભાંડની બાબતે અગાઉ ભાવનગર કલેકટરના એસપીને પણ અગાઉ જાણ કરવામાં આવેલી હતી તેમ છતાં પણ પગલાં લેવામાં આવ્યા નથી. આ સાથે જ આ પ્રમાણમાં ભ્રષ્ટાચારનું નેટવર્ક આખા ગુજરાતમાં પણ ચાલી રહ્યું છે એવું પણ અરજદારના વકીલ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.