રાજ્યમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે રાજ્ય પોલીસવડાએ એક અઠવાડિયાની ખાસ ડ્રાઈવ કરવા તમામ પોલીસ સ્ટેશનનોને સુચના આપી હતી. જેના પગલે રવિવારે અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલા છારાનગરમાં ઝોન 4 DCP, SP, બે PI સહિત 100 પોલીસકર્મીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
શહેરના સરદારનગર વિસ્તારના છારાનગરમાં zone-4 DGP નીરજકુમાર બડ ગુર્જર તેમની ટીમે સાથે મળીને પ્રોહિબિશન ડ્રાઇવ યોજી હતી. જે દરમિયાન હજારો લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ સાથે જ જેના ઘરમાંથી દારૂ ઝડપાઇ હતી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, સરદારનગર વિસ્તારમાં પોલીસ દ્વારા સતત ડ્રાઇવ યોજવામાં આવતી હોય છે. છતાં પણ બૂટલેગરો જાણે બેફામ બન્યા હોય તેમ ખુલ્લે આમ દારૂનો ધંધો કરે છે. બુટલેગર સામે અગાઉની ડ્રાઇવ દરમિયાન કેસ કરવામાં આવ્યો હતો. તે બુટલેગર રવિવારે ફરી વાર દેશી દારૂ સાથે ઝડપાયો હતો. એક વાર દારૂના કેસમાં ઝડપાયેલા આરોપીને જલ્દીથી જામીન મળી જતા હોવાથી કાયદાનો ભંગ કરીને બુટલેગરો દારૂનો વ્યવસાય ચાલુ જ રાખે છે. પોલીસ દ્વારા જેટલી વાર સરદારનગર વિસ્તારમાં દરોડા પાડવામાં આવે છે ત્યારે દેશી દારૂ તો મળી આવે છે.
સરદારનગરમાં પ્રોહિબિશનની રેડ કરવા પોલીસ પહોંચી ત્યારે હજારો લીટર દેશી દારૂનો વોશ મળી આવ્યો હતો. જે જપ્ત કરવો શક્ય ન હતો માટે પોલીસે સ્થળ પર દેશી દારૂના વોશનો નાશ કર્યો હતો.