અમદાવાદ: ભારતીય લોકો અને કબડ્ડી વચ્ચે ઘણા વર્ષોથી ગાઢ સંબંધ જોવા મળ્યો છે. જો કે, આ રમતને 2014માં પ્રો કબડ્ડી લીગની શરૂઆતથી લોકપ્રિયતા અને મહત્વ મળ્યુ છે. મશાલ સ્પોર્ટ્સના સ્થાપકોએ 30-સેકન્ડ રેઈડ, ડુ ઓર-ડાય રેઈડ, સુપર રેઈડ અને સુપર ટેકલ્સ જેવા ઈનોવેટિવ નિયમો લાગૂ કરી ભારતના ચાહકો માટે રમતને વધુ આકર્ષક બનાવી છે.
પ્રો કબડ્ડી લીગની 10મી સિરિઝ સુધી પહોંચવાની ઐતિહાસિક સફળતાના ભાગરૂપે શુક્રવારે અમદાવાદમાં અક્ષર રિવર ક્રૂઝ પર ભવ્ય ઉજવણી સાથે સીઝન 10ની શરૂઆત કરી હતી. પ્રો કબડ્ડી લીગ, સ્પોર્ટ્સ લીગના હેડ તથા મશાલ સ્પોર્ટ્સ એન્ડ લીગ કમિશનર શ્રી અનુપમ ગોસ્વામીએ PKL સિઝન 9-નીવિજેતા ટીમના કેપ્ટન સુનિલ કુમાર (જયપુર પિંક પેન્થર્સ) અને સીઝન 10ની ઓપનિંગ ગેમ કેપ્ટન પવન સેહરાવત (તેલુગુ ટાઇટન્સ) અને ફઝલ અત્રાચાલી (ગુજરાત જાયન્ટ્સ) સાથે સ્પેશિયલ સીઝનનું ઉદ્ધાટન કર્યુ હતું.
“સિઝન 10 માટે 12-શહેરોના કારવાં ફોર્મેટમાં પાછા જવું એ નોંધનીય માઈલસ્ટોન છે. અમે ઓછામાં ઓછા નવ ભૌગોલિક વિસ્તારોને ફરીથી સક્રિય કરીશું, જેઓએ 2019થી પ્રો કબડ્ડી લીગ પોતાના પ્રદેશમાં જોઈ નથી. 12 શહેરોમાં લીગનું આયોજન કરવાથી લીગને દરેક ફ્રેન્ચાઈઝીના ગૃહ પ્રદેશોમાં સમુદાયો સાથે મજબૂત સંબંધ સ્થાપવામાં મદદ મળે છે.” - અનુપમ ગોસ્વામી
તેલુગુ ટાઇટન્સના કેપ્ટન અને પ્રો કબડ્ડી લીગના ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી પવન સેહરાવતે જણાવ્યુ હતું કે, તેમની ટીમ આ લીગનું ઓપનિંગ કરવા તૈયાર છે, “હું મેટ પર લડવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. છેલ્લી સીઝનમાં હારનો સામનો કરવો મારા માટે મુશ્કેલ હતો. જો કે, મેં આ સીઝન માટે ભરપૂર તૈયારીઓ કરી છે. હું પ્રથમ ગેમમાં ફેઝલનો સામનો કરવા પણ આતુર છું. અમારા ખેલાડીઓએ ટ્રેનિંગ કેમ્પમાં સિઝન માટે ખૂબ સારી પ્રેક્ટિસ અને મહેનત કરી છે. અમે ગુજરાત જાયન્ટ્સ સામેની અમારી પ્રથમ મેચ માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.”
પ્રો કબડ્ડી લીગના સૌથી મોંઘા ડિફેન્ડર અને ગુજરાત જાયન્ટ્સના કેપ્ટન ફઝલ અત્રાચલીએ કહ્યું, “હું પ્રો કબડ્ડી લીગ સીઝન 10નો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. આ વિશ્વની શ્રેષ્ઠ કબડ્ડી ટૂર્નામેન્ટ છે. અમે સિઝન શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા. હું આ વર્ષે ગુજરાત જાયન્ટ્સ તરફથી રમી રહ્યો છે, જે ગૌરવની વાત છે. અમારી પાસે ઘણી યુવા પ્રતિભા છે અને સારા કોચ છે. અમે આ સીઝનમાં સારૂ પર્ફોર્મન્સ આપીશું.”
ગત સીઝનમાં પ્રો કબડ્ડી લીગની ટ્રોફી જીતનાર જયપુર પિંક પેન્થર્સના ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે સિઝન 10માં વિશે જયપુર પિંક પેન્થર્સના કેપ્ટન સુનીલ કુમારે કહ્યું કે, “આ ટ્રોફી અત્યારે અમારી છે અને તે અમારી સાથે રહે, તેની ખાતરી કરવી પડશે. અમે આ સિઝન માટે વધુ આકરી ટ્રેનિંગ લીધી છે. અમે ગતવર્ષે જોરદાર પ્લેયર કોમ્બિનેશન કર્યું હતું અને આ વર્ષે પણ એ જ જુસ્સા અને ટ્રીક સાથે પર્ફોર્મન્સ આપીશું. અમે ટુર્નામેન્ટ માટે ઘણી સારી તૈયારી કરી છે.”
પ્રો કબડ્ડી લીગ સીઝન 10નું ટાઈમટેબલ:
અમદાવાદ લીગ 2-7 ડિસેમ્બર 2023 દરમિયાન રમાશે. ત્યારબાદ, બેંગલુરુ (8-13 ડિસેમ્બર 2023), પુણે (15-20 ડિસેમ્બર 2023), ચેન્નાઈ (22-27 ડિસેમ્બર 2023), નોઈડા (29 ડિસેમ્બર 2023 - 3 જાન્યુઆરી 2024), મુંબઈ (5-10 જાન્યુઆરી 2024), જયપુર (12-17 જાન્યુઆરી 2024), હૈદરાબાદ (19-24 જાન્યુઆરી 2024), પટના (26- 31 જાન્યુઆરી 2024), દિલ્હી (2-7 ફેબ્રુઆરી 2024), કોલકાતા (9-14 ફેબ્રુઆરી 2024) અને પંચકુલા (16-21 ફેબ્રુઆરી) ખાતે મેચ યોજાશે.