અમદાવાદ શહેરોના તમામ પતંગ બજારોમાં દર વર્ષ કરતા લોકોની ભીડમાં ઘટાડો દેખાયો છે. દર વર્ષે ઉત્તરાયણના એક અઠવાડિયા પહેલા જ બજારોમાં લોકો ખરીદી કરવા પહોંચતા હોય છે. ત્યારે હવે માત્ર 2 દિવસ પણ બાકી નથી ત્યારે, બજારોમાં ભીડ નહિવત જોવા મળી છે. લોકો અગાઉ જે પ્રમાણે ખરીદી કરતા હતા તે આજે જોવા મળ્યું નહોતું. ખરીદી ઘટવાના પાછળનું કારણ ભાવવધારો પણ ગણી શકાય.
પતંગ બજારોમાં ભાવની વાત કરવામાં આવે તો દર વર્ષ કરતા પતંગના ભાવમાં 10-15 ટકા જેટલો વધારો થયો છે. તો દોરીના ભાવમાં પણ 20 ટકા જેટલો વધારો થયો છે, એટલે કે પતંગના ભાવ અગાઉ જે 80 રૂપિયા હતા. તે હવે 100 રૂપિયા સુધી પહોંચ્યો છે. જ્યારે દોરીના ભાવ 100 રૂપિયા હતા તે 120ને પાર પહોંચ્યા છે એટલે આ કારણથી પણ લોકોની ભીડ ઓછી જોવા મળી છે.
ભાવ વધારાના કારણે તો બજારમાં લોકોની ભીડ તો ઘટી છે, તો વેપારીઓના કહ્યા મુજબ મંદીના કારણે પણ લોકો ખરીદી કરવા આવતા હોવાનું ઘટ્યું છે. અંદાજે 30 ટકા જેટલી જ ખરીદી બજારમાં લોકોએ કરી છે. જ્યારે 60ટકા જેટલો માલ વેપારીઓ પાસે જ છે. કેટલીક દુકાનો પર તો સવારથી જ કોઈ ખરીદી કરવા ના આવ્યું હોવાથી વેપારીઓ પણ ઉદાસ થયા હતા.
આજે છેલ્લો રવિવાર હોવાથી વેપારીઓને આશા હતી કે, આજે લોકો ખરીદી કરવા આવશે અને વેપારીઓને તેમનો મૂડી મડી રહેશે. હજુ સોમવારનો દિવસ છે જે ઉત્તરાયણનો અગાઉનો દિવસ છે. ત્યારે મોડી રાત સુધી લોકો ખરીદી કરતા હોય છે તે માટે પણ વેપારીઓને આશા છે.